અમદાવાદ,
ભગવાન જગન્નાથજીની ઐતિહા)સિક રથયાત્રા નજીક આવી રહી છે. રથયાત્રા અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા તેના રૂટ પરનાં ભયજનક મકાનોનો રૂટિન પ્રણાલિકા મુજબ સર્વે કરાય છે. સમગ્ર વર્ષ દરમ્યાન તંત્રને કોટ વિસ્તારનાં જર્જિકરત મકાનોમાં જીવના જોખમે રહેતા લોકોના જાનમાલની કાળજી લેવાની ફુરસદ મળતી નથી, જોકે કોટ વિસ્તારમાં ચિંતાજનક રીતે ભયજનક મકાનોનું પ્રમાણ સતત વધતું જાય છે. સદનસીબે ગયા ચોમાસામાં પ૦ ટકા વરસાદ પડવાથી ભયજનક મકાન ધરાશાયી થવાની ઘટના પ્રમાણમાં ઓછી નોંધાઇ હતી, જોકે હવે ટૂંક સમયમાં ચોમાસાના શ્રીગણેશ થવાના હોઇ ફરીથી કોટ વિસ્તારના ભયજનક મકાનોમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
ખુદ તંત્રના ચોપડે ગત તા.૧ જાન્યુ.-ર૦૧૮થી ૩૧ ડિસે.-ર૦૧૮ સુધીના સમયગાળામાં કોટ વિસ્તારમાં કુલ ૧પ૭ મકાનને ભયજનક જાહેર કરાયા હતા. આમાં આઘાતજનક બાબત એ છે કે વર્ષ ર૦૧૮માં જાહેર કરાયેલાં ૧પ૭ ભયજનક મકાનો પૈકી મોટા ભાગનાં અંતરિયાળ કોટ વિસ્તારનાં હતાં. કોટ વિસ્તારમાં ૬૦૦થી પણ વધુ ભયજનક મકાનોમાં જીવના જોખમે નાગરિકો રહે છે. આ લોકોની સુધબુધ લેવાની તંત્ર પાસે બિલકુલ ફુરસદ નથી. દરમિયાન આ અંગે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર સૌરભ પટેલને પૂછતાં તેઓ કહે છે, કોટ વિસ્તારનાં ભયજનક મકાનોનો સર્વે કરવા સ્ટાફની ફાળવણી થઇ ગઇ છે. પહેલા તબક્કામાં રથયાત્રા રૂટ પરનાં મકાનોનો સર્વે કરાશે.