ગણતરીકારોને સહયોગ અને સચોટ માહિતી આપવા લોકોને કલેક્ટરનો અનુરોધ…
વડોદરા : વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સેન્સેસ મોબાઈલ એપ્લિકેશનના નિદર્શન દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં સાતમી આર્થિક ગણતરી (સેવેંથ ઇકોનોમિક સેન્સસ)નો પ્રારંભ કર્યો હતો. તેમણે આ કાર્યમાં જોડાયેલા ગણતરીદારોને આર્થિક ગણતરી અર્થતંત્ર અને વિકાસ આયોજનો માટે ખૂબ અગત્યની હોવાથી ખૂબ જ સચોટતા સાથે માહિતી એકત્ર કરવા અને શહેર અને જિલ્લાના લોકોને સચોટ માહિતી પૂરી પાડી આ કામમાં સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૫ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીએ ગણતરીનો પ્રારંભ કરાવ્યો હતો અને તમામ જિલ્લાઓમાં ગણતરી થવાની છે. પ્રથમ વખત ગણતરીની સમગ્ર પ્રક્રિયા ડીજીલાઇઝડ સ્વરૂપમાં હાથ ધરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ૨ હજાર જેટલા એન્યુમરેટર અને સુપરવાઈઝરની સેવાઓ આ કામગીરીમાં લેવાશે. તેઓ સંગઠિત અને અસંગઠિત, નિવાસી, વાણિજ્યિક, નિવાસી અને વાણિજ્યિક જેવા પ્રસ્થાપનોની મુલાકાત લેશે અને ડેટા એકત્ર કરશે. વડોદરા જિલ્લા આંકડા અધિકારી કોકિલાબહેને સમગ્ર પ્રક્રિયાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ગણતરીદારો ઘરના સદસ્યો, આવકના ધંધો, રોજગાર જેવા સ્ત્રોતો સહિત આર્થિક માપદંડોની માહિતી મેળવશે. ભરતગૂંથણ જેવા નાના ઘરેલું વ્યવસાયો સહિતના આવકના નાના મોટા સ્ત્રોતોને આવરી લેવાનો પ્રયત્ન કરી દેશનું એક સશક્ત આર્થિક ચિત્ર મળે એ હેતુથી સમયાંતરે આર્થિક ગણતરી કરવામાં આવે છે.
- Ravindra Patel, Vadodara