સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય અને યુવાનોને ઘેલા કરનારી ટિકટૉક ઍપ પર પ્રતિબંધ મૂકવાની માગણી…
મુંબઇ : સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય અને યુવાનોને ઘેલા કરનારી ટિકટૉક ઍપનો વિરોધ થવા લાગ્યો છે. આ ઍપ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી જનહિતની અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ટિકટૉક ઍપને કારણે બાળકો પર ખરાબ સંસ્કાર પડી રહ્યા હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે. હીના દરવેશ નામની મુંબઈની ગૃહિણીએ આ અરજી કરી છે. ટિકટૉકને કારણે બાળકો પર ખરાબ અસર પડે છે. ટિકટૉકના માધ્યમથી બનાવેલા અનેક વીડિયો અશ્ર્લીલ હોય છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિમા ખરડાતી હોવાનું અરજીમાં જણાવાયું છે.
ટિકટૉક એક સોશિયલ મીડિયા ઍપ્લિકેશન છે. ઍપની મદદથી સ્માર્ટફોન યુઝર્સ નાના-નાના વીડિયો બનાવીને શેર કરે છે. ‘બાઇટ ડાન્સ’ નામની કંપનીએ ૨૦૧૬માં આ ઍપ લોન્ચ કરી હતી. આ ઍપની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. થોડા સમય પહેલાં ટિકટૉકના માધ્યમથી આપત્તિજનક વીડિયો સકર્યુલેટ કરવા બદલ ટિકટૉક યુઝર વિરુદ્ધ મુંબઈ પોલીસે એફઆઇઆર નોંધી હતી . જોકે, તેના પર વિશેષ કાર્યવાહી થઇ નહોતી. મદ્રાસ હાઈ કોર્ટમાં પણ અગાઉ ટિકટૉક ઍપના વિરોધમાં જનહિતની અરજી દાખલ થઇ હતી. હવે મુંબઈ હાઈ કોર્ટ આ અંગે શું નિર્ણય લે છે એ જોવું રહ્યું.