ન્યુ દિલ્હી : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેની કારકિર્દીની એક વરવી સ્થિતિ વિશે ઉલ્લેખ કરીને સૌને ચોંકાવી દીધા છે. ભારત રત્નથી સમ્માનિત થયેલા સચિને જણાવ્યું કે તેને ભારતીય ટીમ માટે ઓપનિંગમાં ઉતરવા માટે રીતસરનું કરગરવું પડતું હતું. ૧૯૯૪માં ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાં ઓપનિંગમાં ઉતરવા માટે તેને કરગરવું પડ્યું હતું તેમ સચિને જણાવ્યું હતું.
મિડલ ઓર્ડરમાંથી ઓપનિંગમાં રમવા માટેનો દાવ સચિનના લાઈનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. સચિન તેંડુલકરે ૪૯મી વખત અડધી સદી ફટકારી હતી જે વન ડેમાં વર્લ્ડ રેકોર્ડ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર સચિને ઓકલેન્ડમાં રમાયેલી આ વનડે મેચને યાદ કરી હતી. સચિને લિન્ક્ડઈન પર વીડિયો શેર કરીને જણાવ્યું કે, ‘૧૯૯૪માં જ્યારે મે ભારતીય ટીમ માટે ઓપનિંગમાં રમવાનું શરૂ કર્યું, ત્યારે તમામ ટીમો વિકેટ બચાવવાની રણનીતિ અપનાવી રહી હતી. આ સમયે મે થોડું અલગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મે વિચાર્યું કે હું આગળ આવીને વિરોધી ટીમના બોલર્સનો સામનો કરું. જો કે આ માટે મને તક આપવા મારે કરગરવું પડ્યું હતું. જો હું નિષ્ફળ જઉં તો, ક્યારેય આ વાત નહીં કરું તેમ મે જણાવ્યું હતું.’
આ રીતે સચિને લોકોને ઉદાહરણ પુરું પાડ્યું કે, તમારે જોખમ લેવાથી ખચકાવું જોઈએ નહીં. ‘પ્રથમ મેચમાં જ (ઓક્લેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે) મે ૪૯ બોલમાં ૮૨ રન ફટકાર્યા હતા, જેથી મારે બીજી વખત તક માટે આજીજી કરવી પડી નહતી. મને ઓપન કરાવવા માટે તેઓ તત્પર હતા. હું એ કહેવા માગું છું કે તમારે નિષ્ફળતાથી ડરવું જોઈએ નહીં. ’