વડાપ્રધાને તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી…
ન્યુ દિલ્હી : દેશની માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ટૂંક સમયમાં પરીક્ષાઓની મોસમ શરૂ થવાની છે ત્યારે ગયા વર્ષ જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં એક મિત્ર તરીકે સોનેરી સલાહો આપીને તેમને તણાવમુક્ત બનીને પરીક્ષા આપવા તથા ચંદ્રયાન મિશનની નિષ્ફળતાનો દાખલો આપીને એક વડીલ અને શિક્ષક તરીકે પ્રેરણા આપી હતી કે જીવનમાં નિષ્ફળતા એ સફળતાની પ્રથમ સીડી છે તેથી તેનાથી નાસીપાસ ન થતાં પ્રયત્નો ચાલુ રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને પોતાના બાળકોને પરીક્ષામાં સારા ગુણ લાવવા દબાણ કરતાં વાલીઓને અને વિદ્યાર્થીઓને પણ સલાહ આપી હતી કે પરીક્ષામાં સારા ગુણ જ સર્વેસર્વા નથી. કોઈ એક પરીક્ષા આખી જિંદગી નથી. આ એક મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ આ જ બધુ છે એવુ ન માનવુ જોઈએ. હું માતાપિતાને પણ આગ્રહ કરુ છુ કે બાળકોને એવી વાતો ન કરો કે પરીક્ષા જ બધુ છે.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે અંદોજે ૨ હજાર વિદ્યાર્થીઓને દેશશના વિવિધ રાજ્યોમાંથી પસંદ કરીને આમંત્રિત કરવામાં આવ્યાં હતા. કાર્યક્રમને પરીક્ષા પે ચર્ચા એવું નામ આપવામાં હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ વિવિધ માધ્યમો દ્વારા થઇ રહેલા જીવંત પ્રસારણમાં સંબોધનની શરૂઆતમાં વાતાવરણને હળવુ બનાવવા કહ્યું હતું કે તેઓ આજે બધા છાત્રો સામે એક પીએમની જેમ નહિ પરંતુ એક દોસ્તની જેમ તેમની સમક્ષ આવ્યા છે, તેમનો આ દોસ્ત ફરીથી એક વાર તેમની સામે છે, તેમના આ સંબોધનને તાળીઓના ગડહડાટથી વધાવી લેવામાં આવ્યું હતું. પીએમે કહ્યુ કે જો હું આ ચર્ચા ના કરતો તો પણ મારા પીએમ પદ પર કોઈ અસર ના પડત. પરંતુ મને લાગ્યુ કે તમારો અને તમારા માતાપિતાનો બોજ હળવો કરવો જોઈએ. નાપાસ થઇને નિરાશ થતાં છાત્રોના સંદર્ભમાં તેમણે ઇસરોના નિષ્ફળ ગયેલા મિશન ચંદ્રયાનનો દાખલો આપ્યો હતો. ચંદ્રયાન મિશનની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેમના કેટલાક સાથીઓએ ચંદ્રયાન મિશનના સ્થળે ન જવાની સલાહ આપી હતી, કેમ કે આ અભિયાનમાં સફળતાની કોઈ બાંયધરી નથી, મિશન નિષ્ફળ પણ જઇ શકે છે. આ હોવા છતાં, મોદીએ કહ્યું કે તેઓ ઇસરોના મુખ્ય મથક ગયા અને જ્યારે મિશન નિષ્ફળ ગયું ત્યારે વૈજ્ઞાનિકોની વચ્ચે રહીને તેમને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. અને નિરાશ ન થવાની પ્રેરણા આપી હતી..
પરીક્ષામાં ગુણના મહત્વને લગતા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે પરીક્ષામાં સારા ગુણ મેળવવું એ બધું જ નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ એમ વિચાર કરીને બહાર નીકળવું જોઇએ કે પરીક્ષા એ બધું છે. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને રમતગમત, કલા અને સંગીત સહિત શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અપીલ કરી હતી.
પીએમ મોદીએ કહ્યુ કે આપણે એ દિશામાં નીકળી પડ્યા છે જેમાં સફળતા-નિષ્ફળતાનુ મુખ્ય બિંદુ અમુક વિશેષ પરીક્ષાઓના ગુણ બની ગયા છે. તેના કારણે મન પર એ જ વાત પર રહે છે કે બાકી બધુ પછી કરીશ, એક વાર માર્ક્સ લઈ આવુ, પરંતુ માત્ર પરીક્ષાના માર્ક્સ જિંદગી નથી. કોઈ એક પરીક્ષા આખી જિંદગી નથી. આ એક મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ આ જ બધુ છે એવુ ન માનવુ જોઈએ. હું માતાપિતાને પણ આગ્રહ કરુ છુ કે બાળકોને એવી વાતો ન કરો કે પરીક્ષા જ બધુ છે.
પીએમે કહ્યુ કે શું ક્યારેય આપણે વિચાર્યુ છે કે મૂડ ઑફ કેમ થાય છે? પોતાના કારણે કે બહારના કોઈ કારણથી? મોટાભાગે તમે જોયુ હશે કે જ્યારે મૂડ ઑફ થાય છે, તો તેનુ કારણ મોટાભાગે બહારનુ જ હોય છે. પીએમે કહ્યુ કે આપણે નિષ્ફળતાઓમાં પણ સફળતાનુ શિક્ષણ મેળવી શકીએ છીએ. દરેક પ્રયાસમાં આપણે ઉત્સાહ ભરી શકીએ છીએ અને કોઈ વસ્તુમાં તમે નિષ્ફળ થઈ ગયા તો તેનો અર્થ એ છે કે હવે તમે સફળતા તરફ નીકળી પડ્યા છો. પીએમ મોદીએ કહ્યુ કે શું તમને ૨૦૦૧માં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ યાદ છે? આપણ ક્રિકેટ ટીમેને નિષ્ફળતાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. મૂડ બહુ સારો નહોતો. પરંતુ એ ક્ષણોમાં શું આપણે ભૂલી શકીએ છે કે જે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે કર્યુ. જેમાં તેમણે મેચને પલટી દીધી હતી.
ટેકનોલોજીના ગુલામ નહીં પણ ટેકનોલોજીને દોસ્ત બનાવો એમ કહીને પીએમ મોદીએ કહ્યુ કે સ્માર્ટફોન અને ટેકનિક આપણો સમય ચોરી કરી રહ્યા છે પરંતુ આપણે ટેકનોલોજીના કહેવા પ્રમાણે ચાલવાનું નથી પરંતુ ટેકનોલોજીને આપણા હિસાબથી ઉપયોગમાં લેવાની છે. ટેકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે પરંતુ આપણે ટેકનિકના ગુલામ ન બનવુ જોઈએ, સ્માર્ટફોન તમારો જેટલો સમય ચોરી કરે છે તેમાંથી ૧૦ ટકા ઓછો કરીને તમે પોતાના મા, બાપ, દાદા, દાદી સાથે વિતાવો. પીએમ મોદીએ કહ્યુ કે હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છુ કે હું કોઈ પણ મા-બાપ પર વધારાનુ દબાણ નથી કરવા ઈચ્છતો અને ના કોઈના બાળકોને બગાડવા ઈચ્છુ છુ. આપણને આપણા બાળકોની ક્ષમતાનો અંદાજ હોવો જોઈએ અને તે અનુસાર તેને પ્રોત્સાહિત કરવા જોઈએ.
મેક ઈન ઈન્ડિયા’ નો ઉલ્લેખ કરીને તેમણે અપીલ કરી કે શું દેશના ભલા માટે આપણે નક્કી ના કરી શકીએ કે ૨૦૨૨માં જ્યારે આઝાદીના ૭૫ વર્ષ પૂરા થશે તો હું અને મારો પરિવાર જે પણ ખરીદીશુ તે મેક ઈન ઈન્ડિયા જ ખરીદીશુ..? મને કહો કે આ ફરજ હશે કે નહિ, આનાથી દેશનુ ભલુ થશે કે નહિ અને દેશની ઈકોનૉમીને તાકાત મળશે.
તેમણે નવી પેઢીને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે અરુણાચલ આ દેશનો એક એવો પ્રદેશ છે જ્યાં લોકો એકબીજાને મળે ત્યારે જય-હિન્દ બોલાય છે. ભારતમાં આવું ભાગ્યે જ થાય છે. ત્યાંના લોકોએ તેમની ભાષાના પ્રમોશન સાથે હિન્દી અને અંગ્રેજી પર સારી પકડ બનાવી છે. આપણે બધાએ પૂર્વોત્તર તરફ જવું જોઈએ.
આ કાર્યક્રમમાં કુલ ૨૦૦૦ સ્ટુડન્ટ્સ અને ટીચર્સે ભાગ લીધો. પરીક્ષા પે ચર્ચાનુ આ ત્રીજુ સંસ્કરણ હતુ, આ છાત્રોની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા થઈ હતી. જ્યારે પીએમ મોદી સ્ટેડિયમ પહોંચ્યા તો છાત્રોએ ઘણા પ્રકારની પેઈન્ટીંગ બતાવી હતી. છાત્રોએ પર્યાવરણ, શિક્ષણ અને પરીક્ષાના તણાવ વિશે પેઈન્ટીંગ બતાવ્યા હતા.. છાત્રોએ દેશના મહાપુરુષોના સ્ટેચ્યુ પણ બતાવ્યા. આ દરમિયાન એક છાત્રએ પીએમ મોદી દ્વારા સમુદ્ર તટ પર કરવામાં આવેલી સફાઈની પેઈન્ટીંગ પણ બતાવી હતી. ૨૦૨૦ના દશકનુ મહત્વ પીએમે છાત્રોને ૨૦૨૦ના દશકનુ મહત્વ જણાવ્યુ. તેમણે કહ્યુ કે આ દશક હિંદુસ્તાન માટે ખૂબ જ મહત્વનુ છે. આ દશકમાં દેશ જે પણ કરશે, તેમાં ૧૦માં અને ૧૨માંના વિદ્યાર્થીઓ સૌથી વધુ યોગદાન હશે. મોદીએ કહ્યુ કે આ દશક નવી ઉંચાઈઓ મેળવનાર બને, એ સૌથી વધુ આ પેઢી પર નિર્ભર કરે છે.