ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધીને વિનંતી કરી હતી કે અમારે ત્યાં પણ આવજો સાહેબ…
ફેબ્રુઆરીમાં અમેરિકી પ્રમુખ ભારતની મુલાકાતે આવશે એવા સમાચારથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો અને ઇમરાન ખાને તરત ટ્રમ્પને સંબોધીને વિનંતીનો સંદેશો મોકલ્યો હતો કે અમારે ત્યાં પણ આવજો ખરા…
રાજકીય પંડિતો માને છે કે હાલ મોંઘવારી, બેકારી, પારાવાર ગરીબી, ભાંગી પડેલું અર્થતંત્ર અને બીજા ઘણા મુદ્દાઓથી પાકિસ્તાન ઘેરાયેલું છે. આંતરરાષ્ટ્રીય મોરચે પણ પાકિસ્તાનની સ્થિતિ હાલ દયામણી છે. એવા સંજોગોમાં અમેરિકા જેવી મહાસત્તાના પ્રમુખ પાકિસ્તાનની મુલાકાત લે તો એનું રાજકીય મહત્ત્વ થોડું વધી શકે એમ છે. ઇમરાનની ઇમેજને પણ લાભ થાય એવું છે.
એટલે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાને ત્યાં પણ ઊડતી મુલાકાત લે એવી ઇમરાનની ઇચ્છા છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ પાકિસ્તાનની મુલાકાત ન લે તો આંતરરાષ્ટ્રીય મામલાઓમાં પાકિસ્તાનની રહી સહી આબરુના ભુક્કા બોલી જાય એવા સંજોગો છે એટલે પાકિસ્તાન અકળાયું છે.