USA : કેલિફોર્નિયામાં એક તરફ બરફવર્ષા તો બીજી તરફ ભારે પવન અને વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાંને કારણે અહીંનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પર મોટા મોટા બરફના થર જામી ગયા છે. ભારે પવનને કારણે અહીંની વિમાન સેવા પણ ઠપ છે.
ગઈ રાતે આ તોફાનને કારણે ૧૭ કલાક સુધી લોકો અધ વચ્ચે ફસાઈ ગયા હતા. આ લોકોએ પોતાની ગાડીઓમાં જ રાત વિતાવવાની નૌબત આવી હતી. તોફાનને કારણે ૩૦ ઈંચ ઊંચા બરફના થર જામી ગયા છે. દક્ષિણી મિન્નેસોતામાં પૂરજોશમાં બરફવર્ષા થઈ રહી છે. ખરાબ હવામાનને પગલે શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. મિસૌરીમાં બુધવારે ભારે પવનથી વીજળી ગૂલ થતાં હજારો લોકોને અંધારામાં રહેવું પડી રહ્યું છે.
આ સપ્તાહના અંત સુધી આ તોફાન પૂર્વી દરિયાકાંઠા તરફ આગળ વધશે. જેને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે તમામ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. ડેનવરથી આવતા વિમાનોને રદ કરી દેવામાં આવ્યા અને ૧૦૦૦થી વધુ મુસાફરોને સોમવારની રાત એરપોર્ટ પર વિતાવવી પડી હતી.
થેક્સગિવિંગ હોલીડે શરુ થયા પહેલા જ અમેરિકામાં બોમ્બ વાવાઝોડાંએ અમેરિકનોના પૂર્વઆયોજીત કાર્યક્રમો પર પાણી ફેરવી દીધું છે. અંદાજે ૫૫ મિલિયન અમેરિકનોએ આ રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. મહત્વનું છે કે, ગૂગલ પાસે એક ટૂલ છે જેના આધારે અમેરિકામાં રજાના આ માહોલમાં લોકોને એ જાણકારી પૂરી પાડવામાં આવશે કે, તેમને ફરવા માટે કયા સ્થળે જવુ સુરક્ષિત અને આરામદાયક રહેશે.
- Naren Patel