ન્યુ દિલ્હી : સચિન તેંડુલકરે ભારત અને બંગલાદેશ વચ્ચે કોલકાતામાં ઇડન ગાર્ડન્સ ખાતે ૨૨મી નવેમ્બરથી ગુલાબી બૉલ દ્વારા રમાનારી દેશની સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટની સફળતાનો ઘણો આધાર ઝાકળના પ્રમાણ પર રહેવાનો સંકેત આપ્યો હતો અને જણાવ્યું હતું કે ફ્લડલિટ્સ હેઠળ રમાનારી આ ટેસ્ટમાં જો મેદાન પર ઝાકળ વધુ હશે અને તેને લીધે મેદાન ભીનું થઇ ગયું હશે તો ઝડપી બૉલર તેમ જ સ્પિનર માટે બૉલિંગ કરવી ઘણી મુશ્કેલ બની રહેશે.
તેણે જણાવ્યું હતું કે દિવસ-રાતની ટેસ્ટ મૅચ રમાડવી સારી ગણાય અને તેનાથી ટેસ્ટ જોવા ઘણાં લોકો સ્ટેડિયમમાં આવે એવી આશા રખાય છે. સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે ઝાકળને લીધે એક વખત મેદાન ભીનું થાય તો તેનાથી બૉલરો માટે પડકાર સર્જાય છે.
તેણે જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ બૉર્ડ (બીસીસીઆઇ)ના નવા વડા સૌરવ ગાંગુલીએ ટેસ્ટ જોવા માટે લોકોને સ્ટેડિયમમાં આકર્ષવા શરૂ કરેલા પ્રયોગને આવકારું છું.
ભારતના આ અગ્રણી બૅટ્સમેને જણાવ્યું હતું કે ટેસ્ટમાં ગુલાબી બૉલનો પ્રયોગ થવાનો હોવાથી બૅટ્સમેને વિવિધ બૉલથી નેટપ્રેક્ટિસ કરવી જોઇએ. તેણે ચાલુ વર્ષે નહિ રમાયેલી દુલીપ ટ્રૉફી અંગે થોડી નારાજગી વ્યક્ત કરી હતી.