મુકેશ અંબાણી, સંજીવ સિંહ, શશિ શંકર સહિતના સીઇઓનો સમાવેશ…
૧૨૧ સીઇઓની યાદીમાં વોલમાર્ટના સીઇઓ ડગલસ મૈકમિલન પ્રથમ સ્થાને, રૉયલ ડચ શેનના બેન વાન બ્યૂંડર બીજા ક્રમે…
ન્યુ દિલ્હી,
દુનિયાભરના સર્વશ્રેષ્ઠ સીઇઓ (ચીફ એક્ઝ્યુકેટીવ ઓફીસર – મુખ્ય કાર્યકારી અધિકારી)ની યાદીમાં ભારતના દસ સીઇઓનો સમાવેશ થયો છે. સીઇઓ વર્લ્ડ મેગેઝીને દુનિયાના ટોપ ૧૨૧ સીઇઓની યાદી બહાર પાડી છે. જેમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, ઇન્ડિયન ઓઇલના ચેરમેન સંજીવ સિંહ, ઓએનજીસીના શશિ શંકર સહિત દસ ભારતીય સીઇઓનો સમાવેશ થાય છે.
આ ભારતીયોમાં આર્સેલરમિત્તલના ચેરમેન અને સીઇઓ લક્ષ્મી મિત્તલ સૌથી ઉપર ત્રીજા સ્થાન પર છે. અહીં લક્ષ્મી મિત્તલને ભારતીય ગણી શકાય પરંતુ તેમની કંપનીને ભારતીય ગણવામાં આવી નથી. આ યાદીમાં તેમની કંપનીને લક્ઝમબર્ગ દેશની કંપની તરીકે દર્શાવવામાં આવી છે. આ ૧૨૧ લોકોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૪૯મા સ્થાન પર છે.
તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સીઇઓ સંજીવ સિંહને ૬૯મા સ્થાન પર મુકવામાં આવ્યા છે. ઓએનજીસીના શશિ શંકર ૭૭મા સ્થાન પર છે. આ સિવાય યાદીમાં સામેલ અન્ય ભારતીયોની વાત કરીએ તો ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઇ)ના ચેરમેન રજનિશ કુમારનો પણ ૮૩મા ક્રમ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટાટા મોટર્સના સીઇઓ ગુએંટર બટશેક ૮૯મા નંબર પર, બીપીસીએલના ચેરમેન ડી રાજકુમાર ૯૪મા સ્થાન પર, રાજેશ એક્સપોર્ટના કાર્યકારી ચેરમેન રાજેશ મહેતા ૯૯મા ક્રમ પર, ટાટા કંસલટેંસી સર્વિસના સીઇઓ રાજેશ ગોપીનાથન અને વિપ્રોના આબિદઅલી ઝેડ. નીમચવાલા એ બંન્ને ૧૧૮મા સ્થાન પર છે.
૧૨૧ સીઇઓની આ યાદીમાં વોલમાર્ટના સીઇઓ ડગલસ મૈકમિલન પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ રોયલ ડચ શેનના બેન વાન બ્યૂંડર બીજા નંબરે અને લક્ષ્મી મિત્તલ ત્રીજા નંબરે છે.