મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા શાહ, વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા…
મુંબઇ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના જન્મ માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દોષિ ગણાવ્યા છે. શાહે રવિવારે મુંબઈમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પ્રચાર માટે સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે જો નેહરુએ પાડોશી દેશ સાથે અકાળે યુદ્ધવિરામ જાહેર કર્યો ના હોત તો પીઓકે અસ્તિત્વમાં જ આવ્યું ના હોત.
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ ખતમ કરવાના નિર્ણયનો વિરોધ કરવા અંગે કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે કાશ્મીર રાજકીય મુદ્દો છે, પરંતુ અમારા માટે તે દેશભક્તિ છે. કોંગ્રેસે કાશ્મીરમાં નરસંહારનું જુઠ્ઠાણું ફેલાવ્યું છે, પરંતુ ત્યાં એક ગોળી પણ ચલાવાઈ નથી. હવે ચૂંટણીમાં નિર્ણય જનતાએ કરવાનો છે કે કોનો સાથ આપવો જોઈએ.
નેહરુને મુદ્દે પ્રહાર કરતા શાહે વધુમાં જણાવ્યું કે કાશ્મીર દેશનું અભિન્ન અંગ ના બન્યું તેનું કારણ પણ નેહરુ છે. જો તે સમયે દેશના સૌપ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સ્થિતિ સોંપવામાં આવી હોત તો ચિત્ર જુદું જ હોત.
આ ઉપરાંત કેન્દ્રના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણય પર વિપક્ષને આડેહાથ લેતા શાહે જણાવ્યું કે, ‘કોંગ્રેસ કલમ ૩૭૦ને હટાવવા પાછળ રાજકારણ જુએ છે, અમે આ રીતે નથી જોઈ રહ્યા. નેહરુએ તે વખતે અકાળે યુદ્ધવિરામ જાહેર ના કર્યો હોત તો પીઓકે અસ્તિત્વમાં આવ્યો જ ના હોત. નેહરુના બદલે સરદાર પટેલે કાશ્મીર સ્થિતિ સંભાળવાની જરૂર હતી.’
ચૂંટણી પંચે ગઈકાલે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ત્યારબાદ ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના પ્રચારનો શ્રીગણેશ કરી દીધા છે. શાહે વધુમાં ઉમેર્યું કે, કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ કાશ્મીરમાં એક પણ ગોળી છોડવામાં આવી નથી. ૩૭૦ હટાવ્યા બાદ જનતા શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહી છે, ત્યાંના માત્ર ૧૦ પોલીસ સ્ટેશનોમાં પ્રતિબંધિત કલમો લાગી છે, ૯૯ ટકા લેન્ડલાઇન શરૂ કરવામાં આવી છે, વેપાર ચાલુ છે.
ગૃહમંત્રીએ કહ્યું કે, અમે આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ હટાવવા માટે સમર્પિત કાર્યકર્તા રહ્યા છીએ. જ્યારથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી જનસંઘ અને ભાજપે તેનો વિરોધ કર્યો છે. તેની સાથે તેઓએ કહ્યું કે, દેશની સાથે કાશ્મીરને જોડવામાં અડચણ રહી છે, સાથોસાથ દેશની એકતામાં પણ અડચણ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સાહસ અને હિંમતના કારણે આ વખતે સંસદના પહેલા જ સત્રમાં આર્ટિકલ ૩૭૦ને ઉખાડી ફેંકવામાં આવ્યો. હું ગર્વગી કહી શકું છું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હવે ત્યાં આર્ટિકલ ૩૭૦ નથી.
અમિત શાહે કહ્યું કે, આર્ટિકલ ૩૭૦ના કારણે દેશમાં આતંકવાદ આવ્યો. ત્યારબાદ જ કાશ્મીરથી કાશ્મીરી પંડિતો, સૂફી-સંતોને કાઢી મૂકવામાં આવ્યા, આતંકવાદ ચરમ પર પહોંચ્યો અને અત્યાર સુધી ૩૭૦ના કારણે લગભગ ૪૦,૦૦૦ લોકો માર્યા ગયા, અને કોંગ્રેસ પૂછે છે કે ૩૭૦ને કેમ હટાવ્યો.
આગામી સમયમાં કાશ્મીરમાં અશાંતિ નહીં હોય અને આતંકવાદનો ખાત્મો થઈ જશે તેમ શાહે મક્કમ સ્વરે જણાવ્યું હતું. કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર શાહે વાકપ્રહાર કર્યો કે ત્રણ-ત્રણ પેઢીઓએ કાશ્મીરમાં શાસન કર્યું તેમ છતા ત્યાં એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના થવા ના દીધી. શાહે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસ જ ફરી મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું હતું.