મુંબઈ : બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનનાં તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘તાનાજી’માં નિભાવેલા પાત્રને લઇને ઘણા જ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં તે નેગેટિવ શેડનાં રોલમાં જોવા મળ્યો હતો અને તેનો ઇમ્પેક્ટ એટલો પાવરફુલ હતો કે તેની તુલના ‘પદ્માવત’ ફિલ્મનાં અલાઉદ્દીન ખિલજીનાં પાત્ર સાથે કરવામાં આવી. એક ઇન્ટરન્યૂમાં તેણે ફિલ્મ સાથે જોડાયેલી વાતો શેર કરી છે. આ ઉપરાંત તેણે દેશમાં ચાલી રહેલા રાજકીય મુદ્દાઓ પર પણ પ્રતિક્રિયા આપી છે. તે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નને ટાળી રહ્યો હતો.
સૈફે ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરાને આપેલા ઇન્ટરવ્યૂમાં દેશભરમાં ચાલી રહેલા પ્રોટેસ્ટ વિશે વાત કરતા કહ્યું કે, તેને એ જોઇને ઘણું દુઃખ થાય છે કે દેશનાં લોકો ખોટા વલણ અપનાવી રહ્યા છે. તેઓ આપણને ભાઈચારાનાં રસ્તાથી અલગ લઇ જઈ રહ્યા છે. સૈફે કહ્યું છે કે જે રીતથી દેશ આગળ વધી રહ્યો છે તેનાથી એ તો સ્પષ્ટ છે કે દેશમાંથી સેક્યુલારિઝ્મનું નામ-ઓ-નિશાન ગાયબ થઈ જશે.
સૈફનું માનવું છે કે દેશનાં લોકો ફાયદાકારક ચીજો પર સ્ટેન્ડ નથી લઇ રહ્યા. જો લોકો કોઈ ચીજનો વિરોધ કરી રહ્યા છે તો તેમને મારવામાં આવે છે, જ્યારે કોઈ સ્ટેન્ડ લે છે ત્યારે તેનો પ્રભાવ તેની ફિલ્મ પર પડી શકે છે. આ કારણે સૈફનાં કહ્યા પ્રમાણે એ-પોલિટીકલ રહેવું વધારે સુરક્ષિત છે.