આસામ, મણિપુર, અ.પ્રદેશ, ત્રિપુરામાં લોકો રસ્તા પર ઉતર્યા, બંધ પાળી વિરોધ કર્યો…
પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો, કર્ફ્યૂ લાગુ, જનજીવન ખોરવાયું, આસામી ફિલ્મી કલાકારો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા, વિરોધ વચ્ચે આજે બિલ રાજ્યસભામાં રજૂ થશે…
ગૌહાટી, મિઝોરમ : કેન્દ્રમાં મોદી સરકારના ભારે વિવાદી અને ભારતના રાજકારણમાં વર્ષો સુધી દૂરોગામી વમળો પેદા કરનાર નાગરિક્તા સુધારા બિલ(સીએબી)ની સામે ભારતના સેવન સીસ્ટર તરીકે ઓળખાતા પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે ઉગ્ર વિરોધ શરૂ થઇ ગયો છે. નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ્સ યુનિયન(એનઇએસયુ) દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુવાહાટી યુનિવર્સિટી અને ડિબ્રુગઢ યુનિવર્સિટીએ બુધવારે યોજાનારી તમામ પરીક્ષાઓ રદ કરી હતી. બંધને કારણે આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરામાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. રેલ્વેને પણ અસર થઇ છે.પૂર્વોત્તર રાજ્યોના મૂળ રહેવાસીઓને ડર છે કે બિલમાં જેમને ભારતનું નાગરિકત્વ મળવાનું છે તેવા બીજા દેશોમાંથી આવેલા હિન્દુ-બૌધ્ધ-સિખ-ખ્રિસ્તી વગેરે. સમુદાયના લોકોના તેમના રાજ્યોમાં પ્રવેશથી તેમની સાંસ્કૃતિક ઓળખ અને સ્થાનિક આજીવિકા, રહેણી કરણી વગેરે જોખમમાં મૂકાઈ શકે છે.રાજધાની નવી દિલ્હીમાં પણ અનેક સંગઠનોએ દેખાવો કર્યા હતા. અન્ય ઘણી સંસ્થાઓ અને રાજકીય પક્ષોએ પણ આને ટેકો આપ્યો છે. આ બંધની હાકલને ધ્યાનમાં રાખીને આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.જો કે નાગાલેન્ડમાં ચાલી રહેલા હોર્નબિલ સ્થાનિક ફેસ્ટિવલને કારણે રાજ્યને “બંધ”માંથી બહાર રાખવામાં આવ્યું છે. ૨૦૧૬માં આ રાજ્યોના ભારે વિરોધને કારણે જ તે વખતે આ બિલ પસાર થઇ શક્યું નહોતું. આ વખતે પણ ભારે વિરોધ શરૂ થયો છે.
ડિબ્રુગઢ અને ગુવાહાટીમાં વાહનો માટે માર્ગ બનાવવા માટે પોલીસે વિરોધીઓને હટવાનું કહ્યું, જેના પગલે પોલીસ અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આ લોકો પર લાઠીચાર્જ પણ કર્યો છે. વિરોધીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહનોની અવરજવર અટકાવી અને ટાયરો સળગાવી દીધા હતા.
આસામી ફિલ્મના કલાકારો અને ગાયકોએ ચાંદમરી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ઉજ્જન બજારની રેલીમાં ઘણા કલાકારોએ ભાગ લીધો હતો. તે જ સમયે, આસામ કૃષિ યુનિવર્સિટી, કોટન યુનિવર્સિટી, ગુવાહાટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ આ બિલને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી હતી.
ત્રિપુરાની રાજધાની અગરતલામાં નાગરિક સંશોધન બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. જેની સામે પોલીસ ટુકડીઓએ ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ખાસ કરીને અનેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ટુકડી તહેનાત હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ગુવાહાટીમાં આખો દિવસ બજારો બંધ રહ્યા હતા. જેના કારણે લોકોના જનજીવનને સીધી અસર પહોંચી હતી. દરરોજના સમય કરતા શેડ્યુલ અસ્ત વ્યસ્ત થતા સામાન્ય લોકોને મુશ્કલીનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસની સાથોસાથ બીજા પણ રાજકીય પક્ષ આ બિલમાં મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા ન દેવાની જોગવાઈનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે.
આસામના ધુબરી લોકસભાના નેતા અજમલે જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધન બિલ હિન્દુ-મુસ્લિમ એકતાની વિરુદ્ધ છે. અમે આ બિલને રદ્દ કરીએ છીએ. આ મુદ્દે વિપક્ષ પણ અમારી સાથે છે. અમે આ બિલને પાસ થવા નહીં દઈએ. ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયને ડિબ્રુગઢમાં નાગરિકતા સંશધોન બિલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્ટુડન્ટ યુનિયન સભ્યોની તરફથી આગચંપી કરવામાં આવી હતી. ત્યાર બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. બિલનો આ મુદ્દો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ધર્મના આધાર પર અત્યાચાર પીડિત મુસ્લિમો, લધુમતી કોમ, હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસીઓને ભારતીય નાગરિકતા આપવા સાથે જોડાયેલો છે.
નાગરિકતા કાયદા ૧૯૫૫માં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેના પ્રસ્તાવ અનુસાર જો લધુમતીકોમ એક વર્ષથી લઈને ૬ વર્ષ સુધી શરણાર્થી બનીને ભારતમાં રહે છે. એમને ભારતની નાગરિકતા આપવામાં આવે. અગાઉ ૧૧ વર્ષ ભારતમાં રહેવા પર ભારતીય નાગરિકતા મળતી હતી. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ લેનારા હોવા છતાં નાગરિકતા મેળવવા માટે દાવો કરતા હતા. તેઓ પહેલા હકદાર પણ ગણાતા હતા. આ બિલમાં નાગરિકતા મળવાની બેઝલાઈન ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ છે. આ અવધી બાદ ત્રણ દેશમાંથી આવનારા લધુમતી કોમના લોકોને ૬ વર્ષ સુધી ભારતમાં રહ્યા બાદ નાગરિકતા મળશે.