ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સલામત છે…
ગાંધીનગર : સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નાગરિક્તા સંશોધન કાયદાને લઈને વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ ગુરૂવારે નાગરિક્તા કાયદા વિરૂદ્ધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું હતું, ત્યારે રાજ્યમાં હિંસા મામલે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો મોટો આરોપ મૂક્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાહઆલમ વિસ્તારમાં હિંસક પ્રદર્શનમાં ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટરનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યમાં હિંસા ફેલાવનારા કોઈ પણ તત્વને છોડવામાં આવશે નહીં. કાયદો અને વ્યવસ્થા સલામત છે.