ભાજપની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત પાયમાલ બન્યો છે. ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન કમોસમી વરસાદ થયો છે…
અમદાવાદ : ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને ખેડૂત વિરોધી ગણાવી કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન અંગે સર્વે કરવાને બદલે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરી હતી. સરકારે સર્વે કરવાની કરેલી જાહેરાત અંગે જણાવતા અમિત ચાવડાએ કહ્યુ કે, “ભાજપની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત પાયમાલ બન્યો છે. ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.”
અમિત ચાવડાએ વધુમાં કહ્યુ કે, “સરકાર ખાનગી વીમા કંપનીઓની વકીલાત બંધ કરે. ખેડૂતો ઉપર આફત આવી છે ત્યારે સરકારે ખાસ પેકેજની જાહેરાત કરવી જોઈએ. સરકારે જાહેરાતમાં જે નિયમોની આંટીઘૂટી નાખી છે તેના બદલે સહાય કરવી જોઈએ. સરકાર નિયમોની આંટીઘૂંટી કરીને ખેડૂતોને લાભથી વંચિત ન રાખે અને તાત્કાલિક ખાસ પેકેજની જાહેરાત કરે. ખેડૂતોને જેટલું નુકસાન થયું હોય તે પૂરેપૂરી સહાય ચુકવવામાં આવે.”
“સરકારે ખેડૂતોને નુકસાનની જાણ કરવાનો ૭૨ કલાકનો સમય આપ્યો છે તે પૂરતો નથી. જેમને ખરેખર નુકસાન થયું છે તેવા ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકારની વીમા કંપની સાથેની મીલીભગત બહાર આવી છે. સરકાર મોટી મોટી જાહેરાત કરે છે કે પહેલા પણ સર્વે કર્યો છે, પરંતુ સરકારે સહાયતો ચુકવી નથી. સરકાર ફક્ત જાહેરાતો કરવાનું બંધ કરે અને તાત્કાલિક સહાય ચુકવે તે જરૂરી છે.”