ફિલ્મમાં ઝીનત અમાન, પદ્મિની કોલ્હાપુરે પણ ચમકશે…
મુંબઈ : મલ્ટિસ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ ‘પાણીપત’ ૬ ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સંજય દત્ત, અર્જુન કપૂર, કૃતિ સેનન અને ઝીનત અમાન સામેલ છે. સંજય દત્તનો ફિલ્મનો અહમદ શાહ અબ્દાલી તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ફિલ્મનું ટ્રેલર આજે ૫ નવેમ્બરના રોજ રિલીઝ થવાનું છે. સંજય દત્તે ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કરતા લખ્યું કે, ‘અહમદ શાહ અબ્દાલી- જ્યાં તેનો પડછાયો પડે છે ત્યાં મોતનું તાંડવ થાય છે.’
આ ફિલ્મને ‘જોધા અકબર’, ‘લગાન’ ફેમ ડિરેક્ટર આશુતોષ ગોવરિકર ડિરેક્ટ કરી છે જ્યારે ફિલ્મ પણ તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ જ પ્રોડ્યૂસ થઇ છે. અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉના રોલમાં છે. ફિલ્મમાં ક્રિતિ સેનન સદાશિવરાવ ભાઉની બીજી પત્ની પાર્વતી બાઈના પાત્રમાં દેખાશે. સદાશિવરાવ ભાઉની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેમના લગ્ન પાર્વતી બાઈ સાથે થયા હતા. સદાશિવરાવ ભાઉ પેશવા બાજીરાવના ભાઈના દીકરા હતા. પાણીપતની ત્રીજી લડાઈમાં તેઓ મરાઠા સેનાના સરદાર સેનાપતિ હતા.
ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન કપૂર, કૃતિ સેનન મુખ્ય ભૂમિકાઓમાં છે તો પદ્મિની કોલ્હાપુરે, મોહનીશ બહલ અને ઝીનત અમાન વિશેષ ભૂમિકામાં જોવા મળશે. ૬૭ વર્ષીય ઝીનત અમાને ૫૦ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં ૮૦થી વધારે ફિલ્મો કરી છે. છેલ્લે તે ૨૦૧૭માં ‘સલ્લુ કી શાદી’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.