અંકલેશ્વરમાં એક તરફ પાણીને લઇને જળ સંકટ છે, તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું પાણી ભાજપના અગ્રણીના ફિશિંગ પોંડમાં ઠલવાઈ રહ્યું છે. એક તરફ લોકો માટે પીવાનું પાણી નથી, ત્યારે સરકાર દ્વારા પીવાના પાણીને લઇને કેટલીક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તો બીજી તરફ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલના તળાવમાં કેનાલમાંથી લાખો લીટર પાણી લેવામાં આવ્યું હતુ. પરેશ પટેલે સમગ્ર મામલે કહ્યું હતું કે, તેઓએ પાણી મેળવા માટે સિંચાઈ વિભાગને અરજી કરી હતી. પરંતુ સિંચાઈ ખાતાનો જવાબ મળ્યા વગર જ તેઓએ પાણી કેનાલમાંથી પોતાના તળાવમાં ભર્યું હતું, જેના કારણે આ આખો મામલો વિવાદિત બન્યો હતો.
પાણી ચોરીના સમગ્ર મામલે જાણ થતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ તે જગ્યા પરથી મોટર પાઈપ લાઈન અને પંપ હટાવી લેવાના કારણે અધિકારીઓના હાથે કઈ પણ લાગ્યું ન હતુ. ત્યારબાદ આજે સિંચાઈ વિભાગના અધિકારીઓ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને સર્વે નંબર અને અન્ય પૂરવાઓ સાથે પાણી ચોરીની ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
સમગ્ર મામલે પરેશ પટેલે પોતાના પર લાગેલા પાણી ચોરીના આરોપને લઇને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર પરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે રીતે મારી પર બ્લેમ કરવામાં આવ્યો કે, પાણીનો ચોર, પાણીની ચોરી કરે છે. એ અમારા સંસ્કારમાં નથી. અંકલેશ્વર તાલુકામાં આવીને પૂછો દાતાશ્રી તરીકે અમારું નામ ચાલે છે. પાણી ચોરવાના આ બેબુનિયાદ આરોપોને હું પહેલા નકારું છું. પાણી મેં લીધુ છે. અને હું કહું છું મેં પાણી લીધુ છે. મેં છ મહિના પહેલા નહેર ખાતાને લેખિતમાં અરજી કરીને પાણી લીધું છે અને એનુ જે પણ પાણીનું બીલ આવે કોમર્સિયલ આવે, ઇન્ડસ્ટ્રીયલ આવે તે બીલના ભરવા તૈયાર છું. તેની મેં બાહેધરી આપી છે. પછી એમાં ચોરીની વાત ક્યા આવે.
પરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ જે નહેરની વાત કરવામાં આવે છે, નહેર અંકેલશ્વર ઉદ્યોગ ભવન સુધી જાય છે અને 90% પાણી ઉદ્યોગોને આપવામાં આવે છે. અને એક ખેડૂતોના દીકરાએ પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમાંથી પાણી લીધું હોય તેમાં એટલું બધું રૂપ સાનું આપવામાં આવે છે. કેવી રીતે ચોર સાબિત કરો, ચોર સાબિત કરવા હોય તો ઉદ્યોગોને કરો. બોરમાંથી પાણી કાઢી કાઢીને તેનો ધંધો કરે છે. આજે પાણી મારા ખેતરમાં મોજુદ છે અને મેં એક પણ ટીપું પાણી કોઈને વેચ્યું નથી. કોઈ ટેન્કર કે, પાણીના બોટલમાં હું પાણી વેચવા વાળો માણસ નથી. આ રાજકીય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ચોરી તો મારા સંસ્કારમાં નથી.
ફરિયાદ બાબતે પરેશ પટેલે જણાવ્યું હતું કે, મેં અધિકારીઓ પર ફરિયાદ કરી છે. એમને છ છ મહિના સુધી અરજી રાખી મૂકી કોઈ પણ કાર્યવાહી ન કરી અને મને આર્થીક રીતે પાયમાલ કરીદેવા અને ખલાસ કરી દેવાનું નહેર ખાતાએ કાવતરું રચેલું છે.