ધોલેરા : પીએમ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ધોલેરમાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનની શરૂઆત કરી હતી. પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં ચીન ૧૦,૫૦૦ કરોડનું રોકાણ કરશે. સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ચીન એસોસિયેશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીઝ વચ્ચે ગાંધીનગરમાં બે મહત્વપુર્ણ એમઓયુ થયા હતા.
ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનની એસપીવી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને સીએએસએમઈ વચ્ચે થયેલાં આ એમઓયુ અંતર્ગત રૂ. ૧૦,૫૦૦ કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરાશે. આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઇ ટેકનોલોજીયુકત ઊદ્યોગો ચાયનાના ઊદ્યોગકારો શરૂ કરશે અને પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ મળીને કુલ ૧૫ હજાર જેટલા યુવાઓને સ્થાનિક સ્તરે રોજગાર અવસર પણ મળતા થશે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ચીની ડેલિગેશન થકી ગુજરાતમાં મોટા પાયે આવી રહેલાં એફડીઆઈ સંદર્ભમાં જણાવ્યું કે, આગામી ૨૦૨૨ સુધીમાં ચીની ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માંગ છે. આજે થયેલાં એમઓયુઅન્વયે સીએએસએમઈ ઇન્વેસ્ટમેન્ટ ગૃપ ધોલેરા એસઆઈઆરને મેજર ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે ચીની ઊદ્યોગો માટે પ્રમોટ કરશે.