પુણેમાં ગુરૂવારે સવારે થયેલી એક આઘાતજનક દુર્ઘટનામાં ૫ લોકોનાં સળગી જવાને કારણે મોત થઈ ગયા. અહીં ઉરૂલી દેવાચી ગામમાં આવેલા કાપડના ગોડાઉનમાં સવારે અચાનક આગ લાગી ગઈ હતી. આ દરમિયાન આ ગોડાઉનમાં રહેલા ૫ કર્મચારીનાં શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત થઈ ગયું. આ ગોડાઉન રાજયોગ સાડી સેન્ટરનું છે.
આગની ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની ૫ ગાડીઓ અને ૧૦ ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે.
ગામમાં આવેલા રાજયોગ સાડી સેન્ટરના ગોડાઉનમાં અજાણ્યા કારણસર આગ લાગી ગઈ હતી. જે સમયે આગ લાગી ત્યારે દુકાનમાં કામ કરતા ૫ કર્મચારી અંદર ઊંઘી રહ્યા હતા. આ તમામ કર્મચારીઓનું શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત થઈ ગયું હતું.
સાડીઓનું ગોડાઉન હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જાત-જાતામાં સમગ્ર ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.