ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં વરસાદની સંભાવના…
અમદાવાદ : રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદના મારથી ખેડૂતો બેહાલ થયા છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર આગામી ૧૩-૧૪ નવેમ્બરે વરસાદ વરબ્સવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. એક બાજુ બંગાળ પર બુલબુલ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં ફરી એક વાર વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે જેના લીધે ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે.
રાજયના માથેથી તાજેતરમાંજ ’મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે અને તેના લીધે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે ફરી એક વાર કમોસમી વરસાદ થવાની આગાહી છે. પ્રાથમિક આગાહી મુજબ ૧૩મી નવેમ્બરે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ- મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદ થવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૪મી નવેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ૧૪મી નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.