મુંબઈ : કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘પંગા’માં રિચા ચઢ્ઢા એક કબડ્ડી પ્લેયરના રોલમાં છે. ફિલ્મમાં તે મીનુના રોલમાં છે જે કંગનાના કેરેક્ટર જયાની ફ્રેન્ડ પણ છે. ફિલ્મમાં તેનો રોલ એક એવી મહિલાનો છે જે સશક્ત છે અને તેણે પોતાની લાઇફસ્ટાઇલ ખુદ પસંદ કરી છે ઉપરાંત સ્પોટ્ર્સને પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે. આ ફિલ્મને અશ્વિની ઐયરે ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં જેસી ગિલ અને નીના ગુપ્તા પણ સામેલ છે. ‘પંગા’ ફિલ્મ ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની છે.
ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ દિલ્હી, કોલકત્તા, ભોપાલમાં અને મુંબઈમાં થયું છે. ફિલ્મની સ્ટોરી કબડ્ડીની આસપાસ ફરે છે સાથે સાથે તેમાં પારિવારિક મૂલ્યો, સંબંધોને પણ સમાવી લેવામાં આવ્યા છે. કંગનાએ રોલને ન્યાય આપવા માટે વજન વધાર્યું હતું. એથ્લેટિકના રોલને ન્યાય આપવા માટે ખાસ સાથળ આસપાસ વજન વધાર્યું હતું. કંગનાએ પાંચ મહિનામાં કબડ્ડીની ટ્રેનિંગ લઇ લીધી હતી. કેરેક્ટરમાં ફિટ બેસવા માટે કંગનાને ઇન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર અને કોચ ગૌરી વાડેકરે મદદ કરી હતી.