વિદ્યાર્થીઓએ દિલ્હી પોલીસ ગૉ બેકના નારા લગાવ્યા, વીસીને ચોર કહ્યા…
ન્યુ દિલ્હી : જેએનયુના વિદ્યાર્થીઓ દ્વારા સોમવારના રોજ ફી વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની માંગ છે કે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ફી વધારા સહીત અનેક મહત્વની જાહેરાતોને પરત ખેંચવામાં આવે. સોમવારના રોજ યુનિવર્સીટીનો દિક્ષાંત સમારોહ પણ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ અને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ પણ ભાગ લઇ રહ્યા છે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ફીના વધારા અને ડ્રેસ કોડના મુદ્દે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ હાથોમાં પોસ્ટર લઈને ‘દિલ્હી પોલીસ ગો બેક’ના નારા લગાવ્યા હતા. કુલપતિ એમ જગદીશ કુમારને ‘ચોર’ કહી રહ્યાં હતા.
વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓના પ્રદર્શનને રોકવા માટે મોટી સંખ્યામાં સીઆરપીએફ તથા દિલ્હી પોલીસના જવાન તૈનાત છે. પ્રદર્શન કરી રહેલા ઘણા વિદ્યાર્થીઓને પગ પકડીને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે. પ્રદર્શનને ઉગ્ર બનતું જોઈને પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે.
જેએનયુના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જયારે તેમની ફીમાં ઘટાડાની માંગને સ્વીકાર કરવામાં આવી રહ્યો નથી તો તેમનું દિક્ષાંત સમારોહમાં જવું પણ મંજુર નથી. તેમનો આરોપ છે કે હોસ્ટેલ ફી વધારાનો મામલો યુનિવર્સીટીમાં ઘણો આગળ વધી ચુક્યો છે અને કોઈ સમાધાન મળી રહ્યું નથી. વિદ્યાર્થીઓ સંઘની માંગ છે કે આ ફી વધારાના નિર્ણયને પાછો ખેંચવામાં આવે. આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંઘે વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું હતું, વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાઈ અને માર્ચમાં સામેલ થવા જણાવ્યું હતું. વિદ્યાર્થી સંઘનું કહેવું છે કે સસ્તું શિક્ષણ મળી રહ્યું નથી તો દિક્ષાંત સમારોહનું આયોજન કરવાની શું જરૂર છે?