નેતાઓ ચૂંટણી વખતે લોકોના મત મેળવવા માટે ઘણા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટાયા પછી આ વાયદાઓમાંથી ઘણા વાયદાઓ પુરા નથી થતા. જેના કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. આ વાત તો એક બાજુ રહી પરંતુ નેતાઓ કામમાં એટલા વ્યસ્ત હોય છે કે, જે કામ પુરા થાય છે તેનું ઉદઘાટન કરવાનો પણ તેમની પાસે સમય નથી. જેમ કે, અમુક શહેરોમાં તૈયાર થયેલા ઓવર બ્રિજનું ઉદ્ધઘાટન સમયસર નેતાઓ દ્વારા નહીં કરવામાં આવતા જનતા બ્રિજનું ઉદ્ઘાટન કરી નાંખે છે.
આવું જ કંઈ જોવા મળ્યું છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કે, જ્યાં હોસ્પિટલનો બર્ન્સ વોર્ડ છેલ્લા એક મહિનાથી તૈયાર થઈ ગયો છે. પરંતુ આ તૈયાર થઈ ગયેલા બર્ન્સ વોર્ડનું ઉદ્ધઘાટન થયું નથી, જેના કારણે આ વોર્ડ ધૂળ ખાઈ રહ્યો છે. જુના બર્ન્સ વોર્ડમાં એર-કન્ડિશનર બંધ થયું હોવાના કારણે કેટલાક દર્દીઓ તો ઘરેથી પંખા લાવવા પણ મજબૂર બન્યા હતા. જોકે, નવો બર્ન્સ વોર્ડ તૈયાર હોવા છતાં પણ દર્દીઓને સુવિધા ન મળતાં દર્દીઓએ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે હોસ્પિટલના સત્તાધિશો દ્વારા કોઈ પણ નેતાઓની રાહ જોયા વગર તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સત્તાધીશોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બર્ન્સ વોર્ડ આખું G-સાઉથ વિંગ ઘણા વખતથી તૈયાર હતું. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં તાપમાન વધારે જોવાઈ રહ્યું છે અને અમારા જુના C- બર્ન્સ વોર્ડમાં એસીના અવાર-નવાર પ્રોબ્લેમ થતા હતા. એટલે અમને લાગ્યું કે, આ ગરમીમાં બર્ન્સના દર્દીઓને નવા બર્ન્સ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવે તો તેમના માટે વધારે સારું થશે. એટલા માટે અમે જાતે જ ઉદ્ધઘાટન કરી દીધું.