Charotar Sandesh
ઈન્ડિયા

બિહાર-આસામમાં પૂરનું તાંડવ : અત્યાર સુધી ૨૦૦થી વધુ લોકોના મોત…

બિહાર અને આસામના લાખો લોકો છેલ્લા ૧૫થી ૨૦ દિવસથી પૂર પ્રકોપનો સામનો કરી રહ્યા છે…

પટના/ગૌહાટી,
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સ્થિતિ વિકટ બની રહી છે. ત્યારે બિહાર અને આસામના લાખો લોકો છેલ્લા ૧૫થી ૨૦ દિવસથી પૂર પ્રકોપનો સામનો કરી રહ્યા છે. આ બંને રાજ્યોમાં કુલ મૃત્યુઆંક વધીને ૨૦૦ને પાર પહોંચી ગયો છે.

સતત વરસી રહેલા વરસાદ અને પહાડી દેશોમાંથી આવતી નદીઓમાં પૂરના કારણે બિહાર અને આસામમાં સ્થિતિ સતત કથળી રહી છે. બંને રાજ્યોમાં લાખો લોકો પૂરથી પ્રભાવિત બન્યા છે. નેપાળ અને બિહારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ઉત્તર બિહાર, કોસી અને સિમાંચલમાં પૂર વધુ જોખમી સાબિત થઇ શકે છે. નવા વિસ્તારોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને મુશ્કેલીઓ વધી રહી છે.

બિહારમાં ૧૩ જિલ્લાના કુલ ૮૨ લાખ ૧૨ હજાર લોકો પ્રભાવિત છે. રાજ્યમાં પૂર પીડિતોની મદદ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ ૨૬ ટીમો કામે લાગેલી છે. જ્યારે જુદા જુદા જિલ્લાઓમાં ૪૨ રાહત કેમ્પમાં ૨૨ હજાર ૪૦૦ લોકોને શરણ આપવામાં આવેલી છે. પૂરના કારણે બિહારમાં સત્તાવાર રીતે મૃત્યુઆંક વધીને ૧૨૩ થઇ ગયો. જ્યારે કે બિનસત્તાવાર મૃત્યુઆંક ૨૦૦ને પાર છે. જેમાં સીતામઢીમાં ૩૭ લોકોના મોત થયા. મધુબનીમાં ૩૦, અરરિયામાં ૧૨, શિવહર અને દરભંગામાં ૧૦-૧૦, પૂર્ણિયા જિલ્લામાં નવ, કિશનગંજમાં પાંચ, મુઝફ્ફરપુરમાં ચાર, સુપૌલમાં ત્રણ, પૂર્વી ચંપારણમાં બે તથા સહરસામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

પૂરના કારણે બિહારની સાત મોટી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેમાં બઢી ગંડક, બાગમતી, અધવારા સમહૂ, કમલા બલાન, કોસી, મહાનંદા અને પરમાન નદી સામેલ છે. સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરીની સાથે સાથે લોકોના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. સરકાર તરફથી મૃતકના પરિજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક મદદનું એલાન કર્યું છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત લોકોના ખાતામાં સીધા છ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવી રહી છે. બિહાર ઉપરાંત આસામમાં પણ પૂરથી ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા બે સપ્તાહથી રાજ્યના લાખો લોકો પૂરની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે.હાલમાં આસામના ૨૦ જિલ્લાના ૨૭૬૦ કરતા વધુ ગામનો ૩૮ લાખથી વધુ લોકો પૂર પ્રકોપનો સામનો કરી રહ્યા છે. અહીં મૃત્યુઆંક વધીને ૭૭ થઇ ગયો છે.

Related posts

દેશભરમાં હૈદરાબાદ હેવાનિયતનો પડઘો : લોકો રસ્તા પર ઉતર્યા…

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪ દિવસના વિદેશ પ્રવાસે ઈટાલી પહોંચ્યા

Charotar Sandesh

મુંબઈ, થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ૯ જુલાઈથી ઓટોરિક્ષા ડ્રાઈવરોની બેમુદત હડતાળ…

Charotar Sandesh