Charotar Sandesh
સ્પોર્ટ્સ

બીજી ટેસ્ટ ત્રણ દિવસમાં જ સમાપ્ત,બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં ૧૯૫માં ઓલઆઉટ…

અંતિમ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ ૪૬ રનથી હરાવી ભારતે ૨-૦થી સિરીઝ જીતી…
– બીજી ઇનિંગમાં ઉમેશ યાદવે ૫ અને ઇશાંત શર્માએ ૪ વિકેટ ઝડપી
– મેચમાં નવ વિકેટ ઝડપનાર ઇશાંત શર્મા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ
– ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર ટેસ્ટ જીતનાર પ્રથમ દેશ બન્યું, ઘરઆંગણે સતત ૧૨મી સીરિઝ જીતી
– વિરાટ કોહલી સતત સાત ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

કોલકાત્તા : પિન્ક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને એક ઈનિંગ અને ૪૬ રને હરાવીને ઐતિહાસિક મેચમાં વિજય મેળવ્યો છે. ભારતે બાંગ્લાદેશને બે ટેસ્ટની સીરિઝમાં ૨-૦થી પરાસ્ત કર્યું છે અને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો અજયે રેકોર્ડ આગળ ધપાવ્યો છે. ભારતની ઈનિંગ અને રનથી આ ચોથો ટેસ્ટ વિજય રહ્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ દરેક મોરચે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ફક્ત ત્રણ જ દિવસમાં ટેસ્ટ મેચમાં જ્વલંત વિજય મેળવી લીધો છે. ઉમેશ યાદવે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે પ્રથમ ઈનિંગમાં પેસ બોલર ઈશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી. ઈશાંતે બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચની ખાસિયેસ એ પણ રહી કે ભારતીય ટીમના સ્પિન બોલર્સને બન્ને ઈનિંગમાં ૨૦માંથી એકપણ વિકેટ મળી નહતી. તમામ વિકેટો ભારતના પેસ બોલર્સે ઝડપી હતી. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકૂર રહીમે સૌથી વધારે ૭૪ રન બનાવ્યા હતા.
ભારતે બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ ભવ્ય વિજય મેળવીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતે સળંગ ચોથી ટેસ્ટ મેચમાં ઈનિંગ અને રનથી ટેસ્ટ જીતી લીધી છે. અગાઉ દુનિયાની કોઈપણ ટીમ આ રેકોર્ડ બનાવી શકી નથી. ભારતે બાંગ્લાદેશને બન્ને ટેસ્ટમાં ઈનિંગ અને રનના માર્જીનથી હરાવ્યું હતું. આ ઉપરાંત અગાઉ દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં પણ રાંચી અને પુણે ટેસ્ટમાં ભારતનો ઈનિંગ અને રનથી વિજય થયો હતો.
બાંગ્લાદેશે ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશની સમગ્ર ટીમે ૧૦૬ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. પ્રથમ દિવસે જ ભારતે બાંગ્લાદેશને ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી ભારતે ૩૪૭/૯ના સ્કોરે ઈનિંગ ડિક્લેર કરી હતી. વિરાટ કોહલીએ ટેસ્ટ કારકિર્દીની ૨૭મી સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન તરીકે ૨૦મી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો હતો.
બાંગ્લાદેશ બીજી ઈનિંગમાં ૧૯૫ રનમાં ખખડી ગયું હતું. ભારત તરફથી ઉમેશ યાદવે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ઈશાંત શર્માએ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મહમદુલ્લાહ રિટાયર્ડ હર્ટ થયો હતો. ઈશાંત શર્માએ પિન્ક બોલમાં સૌપ્રથમ વખત પાંચ વિકેટ ઝડપાવની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. પ્રથમ ઈનિંગમાં તેણે બાંગ્લાદેશના ખેલાડીઓને ઘૂંટણીયા ટેકવી દેવા મજબૂર કર્યા હતા. ઈશાંત શર્માને બન્ને ઈનિંગમાં નવ વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મચે અને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો.

Related posts

શાસ્ત્રી જોડે અણબનાવ એ માત્ર અટકળો છે : ગાંગુલી

Charotar Sandesh

ચેન્નાઇ-દિલ્હીની ધીમી પિચો પર મુંબઇ ઇન્ડીયન્સને કોઇ નુકશાન નહીઃ પાર્થિવ પટેલ

Charotar Sandesh

આઈસીસી એવોર્ડ : વિરાટ કોહલી બન્યો દશકનો સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડી…

Charotar Sandesh