ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પછી શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડના પેપર તપાસવા માટે ખાનગી શાળાના શિક્ષકોને બોલાવવામાં આવે છે, પરંતુ ખાનગી શાળાના મોટાભાગના શિક્ષકો પેપર તપાસવા માટે જતા નથી. જેના કારણે સરકારી શિક્ષકો પર કામનું ભારણ વધી જાય છે. કામનું ભારણ વધવાના કારણે ઘણા સરકારી શિક્ષકોને મહેનતાણું કરતા બોર્ડનો દંડ વધી જાય છે. કારણ કે, પેપર તપાસવામાં કોઈપણ પ્રકારની ભૂલ થાય તો બોર્ડ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી શાળાના પરીક્ષાર્થીઓ કરતા ખાનગી શાળાના પરીક્ષાર્થીઓની સંખ્યા વધારે છે. છતાં પણ ખાનગી શાળાના મોટાભાગના શિક્ષકો પેપર ચકાસણી કરવા આવતા નથી. દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાના શિક્ષકોને પેપર તપાસવા બોલાવવામાં આવે છે અને દર વર્ષે ખાનગી શાળાના મોટાભાગના શિક્ષકો ગેરહાજર રહે છે.
હવે શિક્ષણ વિભાગ દ્વારા પેપર તપાસવા નહીં આવેલા ખાનગી શાળાના શિક્ષકો અને શાળા પર કાર્યવાહી કરવામાં આવશે. શાળા અને શિક્ષકોને પેપર તપાસવા માટે કેમ ન આવ્યા એ બાબતે જવાબ માગવા માટે નોટીસ ફટકારવામાં આવશે અને જો શાળા કે શિક્ષકો દ્વારા નોટીસનો જવાબ નહીં આપવામાં આવે તો તે શિક્ષકો અથવા તો શાળાને દંડ પણ થઈ શકે છે.
આ વર્ષ ધોરણ 12ના પેપર ચેક કરવા માટે ખાનગી શાળાના શિક્ષકોને પેપર તપાસવા આવવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા, છતાં પણ સામાન્ય પ્રવાહના 2,000 શિક્ષકો અને વિજ્ઞાન પ્રવાહના 1,500 શિક્ષકો પેપર તપાસવા માટે આવ્યા ન હતા જેના કારણે શિક્ષણ બોર્ડ દ્વારા 3,500 શિક્ષકોને નોટીસ આપવામાં આવશે.