ચેન્નાઈ : ફિલ્મ અભિનેતા રજનીકાંતે શુક્રવારે ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું છે કે, તેઓ મને ભગવા રંગમાં રંગવા ઈચ્છે છે. તેમણે તમિલ કવિ તિરુવલ્લુવરની સાથે પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સત્ય હકીકત એ છે કે, ન તો તિરુવલ્લુવર અને ના તો હું તેમની જાળમાં ફસાઈશું. અયોધ્યા મામલે તેમણે લોકોને કહ્યું કે, કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને શાંતિ જાળવવી જોઈએ.
ફિલ્મ અભિનેતા કમલ હાસન અને રજનીકાંતે ચેન્નાઈમાં શુક્રવારે રાજ કમલ ફિલ્મ ઈન્ટરનેશનલના નવા કાર્યાલયમાં દિવંગત ફિલ્મ નિર્દેશક કે. બાલાચંદરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન રજનીકાંતે કહ્યું કે, તિરુવલ્લુવરને ભગવો પહેરાવવો ભાજપનો એજન્ડા હતા. અમુક લોકો અને મીડિયા એવું દર્શાવાવનો પ્રયત્ન કરી રહ્યા છે કે, હું ભાજપનો માણસ છું. પરંતુ આ વાત સાચી નથી. સાથ આપીશ તો તે રાજકીય પક્ષ ખુશ થઈ જશે પરંતુ તે નિર્ણય લેવાનું મારા ઉપર છે.
કમલ હાસને કહ્યું કે, એક જ સમયે અમે બંનેએ નિર્ણય લીધો છે કે, અમે (હું અને રજનીકાંત) એકબીજાનું સન્માન કરી શું. કારણકે અમારુ માનવું છે કે, તે અમારા બંનેના ભવિષ્ય માટે સારુ છે. આજે પણ અમે એકબીજાનું સન્માન, નિંદા અને સમર્થન કરીયે છીએ.