શમીએ ત્રણ, અશ્વિન, ઇશાંત, ઉમેશ યાદવે ૨-૨ વિકેટ ઝડપી…
ભારત પ્રથમ દિવસના અંતે ૧ વિકેટે ૮૬ રન, રોહિત શર્મા ફ્લૉપ,પૂજારા-મયંક રમતમાં…
ઢાકા : ભારત બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે પ્રથમ દિવસના અંતે મજબૂત સ્થિતિમાં છે. ટોસ હાર્યા પછી પ્રથમ બોલિંગ કરતાં ભારતે મહેમાન ટીમને ૧૫૦ રનમાં ઓલઆઉટ કરી હતી. તે પછી દિવસના અંતે ૧ વિકેટે ૮૬ રન કર્યા છે. ચેતેશ્વર પુજારા ૪૩ રને અને મયંક અગ્રવાલ ૩૭ રને રમી રહ્યા છે. બંનેએ બીજી વિકેટ માટે ૭૨* રનની પાર્ટનરશીપ કરી છે. ઓપનર રોહિત શર્મા ૬ રને અબુ જાયેદની બોલિંગમાં ડ્રાઈવ કરવા જતા કીપર દાસના હાથે કેચ થયો હતો.
બાંગ્લાદેશ ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ૧૫૦ રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશ પ્રથમ દિવસે ભારતીય ફાસ્ટ બોલર સામે ઝઝૂમ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ ૩ વિકેટ, જયારે રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને ઇશાંત શર્માએ ૨-૨ વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે સર્વાધિક ૪૩ રન કર્યા હતા, જયારે કેપ્ટન મોમિનુલ હકે ૩૭ રનનું યોગદાન આપ્યું હતું. જોકે તે બંનેના આઉટ થયા પછી ટીમ પાણીમાં બેસી ગઈ હતી અને તેમણે પોતાની અંતિમ ૫ વિકેટ ૧૦ રનમાં ગુમાવી હતી. અશ્વિને આ ઇનિંગ્સમાં ઘરઆંગણે ૨૫૦ વિકેટ પૂરી કરી હતી.
ભારતે ટીમ હેટ્રિક લીધી હતી. ટી-બ્રેક પહેલાના બે બોલમાં મોહમ્મદ શમીએ સતત બે બોલમાં મુશફિકર રહીમ અને મહેંદી હસનને આઉટ કર્યા હતા. તે પછી ત્રીજા સેશનના પહેલા બોલે લિટન દાસ ૨૧ રને ઇશાંતની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં કોહલીના હાથે આઉટ થયો હતો. આમ ભારતે ૫૩.૫, ૫૩.૬ અને ૫૪.૧ ઓવરમાં વિકેટ ઝડપીને ટીમ હેટ્રિક લીધી હતી.
મુશફિકર રહીમ ૪૩ રને મોહમ્મદ શમીની બોલિંગમાં બોલ્ડ થયો હતો, તેના પછી મહેંદી હસન પણ પ્રથમ બોલે એલબીડબ્લ્યુ થયો હતો. શમી પોતાની આગામી ઓવરમાં હેટ્રિક પર હશે. મહમ્મદુલ્લાહ ૧૦ રને અશ્વિનની બોલિંગમાં સ્વિપ શોટ રમવા જતા બોલ્ડ થયો હતો. તેની પહેલા કેપ્ટન મોમિનુલ હક અશ્વિનના અંદર આવતા બોલને છોડતા બોલ્ડ થયો હતો. તેણે ૮૦ બોલમાં ૬ ચોક્કાની મદદથી ૩૭ રન કર્યા હતા. આ અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં કોઇ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.