પૂર્વ વિદેશમંત્રીના લોધી સ્મશાનઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા…
દિકરી બાંસુરીએ સુષ્મા સ્વરાજને મુખાગ્નિ આપ્યા,વડાપ્રધાન સહિત દિગ્ગજ નેતાઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા…
ન્યુ દિલ્હી,
ગઈકાલે રાત્રે હ્રદયરોગના હુમલા બાદ અંતિમ શ્વાસ લેનારા પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના આજે દિલ્હીના લોધી રોડ સ્મશાનઘાટ પર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વિલક્ષણ પ્રતિભા ધરાવતા અને ભારતીય રાજનીતિના પ્રતિભાવાન નેતા એવા સુષ્મા સ્વરાજ આખરે પંચમહાભૂતમાં વિલીન થયા છે. તેમની દિકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની તમામ વિધીઓ કરી હતી. બાંસુરીએ જ તેમને મુખાગ્નિ આપ્યાં હતાં. સુષમા સ્વરાજને અંતિમ વિદાય અપાઈ તે વખતે ભાજપ ઉપરાંત અન્ય પક્ષોના વરિષ્ઠ નેતા તેમજ પીએમ મોદી, એલકે અડવાણી, અમિત શાહ પણ સ્મશાનમાં હાજર રહ્યા હતા. સુષ્મા સ્વરાજનું અવસાન એ સમગ્ર દેશ માટે મોટી ખોટ છે.
દેશ ઉપરાંત વિદેશથી પધારેલા મહાનુભાવો પણ સુષ્મા સ્વરાજની અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા. આજે સ્વ. સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ તેમના ઘરેથી ભાજપના મુખ્યાલયમાં લવાયો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નેતાઓ સ્વર્ગસ્થ નેતાના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગઈકાલે રાત્રે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. સુષ્મા સ્વરાજના અચાનક અવસાનથી દેશભરમાં શોકનું મોજુ છે. સુષ્મા સ્વરાજનું ૬૭ વર્ષની વયે અવસાન થયું.
ભાજપ કાર્યાલયથી સુષમા સ્વરાજના પાર્થિવ દેહને રાજનાથ સિંહ, જે પી નડ્ડા, રવિશંકર પ્રસાદ, પીયુષ ગોયલે કાંધ આપી હતી.
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ આજે સવારે તેમના અંતિમ દર્શન માટે પહોંચેલા પીએમ મોદી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓની આંખો પણ ભરાઈ આવી હતી.
સુષ્માજીને શ્રધ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસ સ્થાન પર મોટી સંખ્યામાં નેતાઓ ઉમટી પડ્યા હતા.પીએમ મોદી સુષ્માજીના પાર્થિવ દેહને જોઈને ભાવુક થઈ ગયા હતા.તેમણે સુષ્માજીની પુત્રીનો હાથ પકડીને અને માથે હાથ મુકીને સાંત્વના આપી હતી. જોકે તે વખતે પણ તેમનુ ગળુ ભરાઈ આવ્યુ હતુ.
મોદી સરકારની પહેલી ટર્મમાં વિદેશ મંત્રી તરીકે ખૂબ જ સક્રીય રહેનારા સુષમાએ ટ્વીટર પર પોતાની અલગ જ ઓળખ બનાવી હતી. તેઓ ટ્વીટર પર મદદ માગનારા કેટલાય લોકોના કામ તાત્કાલિક કરાવી આપીને સરાહનાને પાત્ર બન્યા હતા. વિઝા હોય કે પછી પાસપોર્ટનો પ્રશ્ન, કે પછી વિદેશમાં કોઈ ભારતીય તકલીફમાં હોય, સુષમા સ્વરાજ હંમેશા લોકોની મદદ કરવા માટે તત્પર રહેતા હતા.
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મોત સામે ૭૦ મિનિટ સુધી જંગ લડી હતી. કમનસીબે તેઓ આ જંગ હારી ગયા હતા.
મંગળવારે રાતે તેમણે છાતીમાં દુખાવા અને ગભરામણની ફરિયાદ કરી હતી.એ પછી તરત જ તેમને ૯-૨૬ વાગ્યે દિલ્હી,એઈમ્સમાં લઈ જવાયા હતા.બહુ પ્રયાસ કર્યા પછી પણ ડોક્ટરોની ટીમ તેમને બચાવી શકી નહોતી ત્યારે બે જુનિયર ડોક્ટરોની આંખમાં આંસુ આવી ગયા હતા.
ડોક્ટરોએ ૭૦ મિનિટ સુધી તેમને સીપીઆર ટ્રીટમેન્ટ આપી હતી.તેમના હાર્ટનુ પંપિંગ કર્યુ હતુ..તેમના હાર્ટને ફરી કાર્યરત કરવા માટે ઈલેક્ટ્રિક શોક પણ અપાયા હતા.એ પછી પણ તેમના ધબકારા ચાલુ ના થતા તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા.આમ છતા સુષ્મા સ્વરાજના શરીરમાંથી ચેતના જવા માંડી હતી.
આખે ૧૦-૫૦ વાગ્યે તેમને મૃત જાહેર કરાયા હ તા.એક ડોક્ટરે નામ નહી આપવાની શરતે કહ્યુ હતુ કે, સુષ્માજીને હોસ્પિટલ લવાયા ત્યારે જ ખબર પડી ગઈ હતી કે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો છે.અમે તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા.