ટ્રમ્પનું બેવડું વલણ,મોદી-ઇમરાન ખાન બંન્ને મારા સારા મિત્રો…
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન બે પરમાણુ શક્તિઓ છે અને એવામાં બંને દશોએ કાશ્મીર મુદ્દાને ઉકેલવો જોઈએ. તેઓએ એમ પણ કહ્યુ કે, તેઓ બંને દેશોની વચ્ચે મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પે આ વાતો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહી.
ટ્રમ્પે કહ્યુ કે, જો તમે બંને વડાપ્રધાનો તરફ જુઓ તો તેઓ બંને મારા ખૂબ સારા મિત્ર છે. હું તેમને કહું છું કે તેઓ તેને ઉકેલી દે કારણ કે તેઓ બંને પરમાણુ શક્તિઓ છે. નોંધનીય છે કે ટ્રમ્પે સોમવારે ઈમરાન ખાન સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે તેઓએ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ઉકેલા માટે છેલ્લા થોડાક સમયમાં અનેકવાર મધ્યસ્થતાની રજૂઆત કરી છે. તેઓએ ફરી એકવાર આ મુદ્દે મદદની વાત કરી છે. તેઓએ કહ્યુ કે, પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં અમે કાશ્મીર વિશે વાત કરી અને હું જે પણ મદદ કરી શકું છું, તેની મેં રજૂઆત કરી અને તે મદદ મધ્યસ્થતા છે. હું જે કરી શકું છું તે કરીશ, કારણ કે આ ખૂબ ગંભીર મામલો છે અને આશા રાખું છું કે તે સારી સ્થિતિમાં થઈ જશે.
ભારતનું માનવું છે કે કાશ્મીર એક દ્વિપક્ષીય મામલો છે અને તેમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ તેમને મંજૂર નથી. ટ્રમ્પના નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ કે, આ મુદ્દે વડાપ્રધાન અને વિદેશ સચિવ પહેલા જ પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે.
- Naren Patel