ઓકલેન્ડ : ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસન ઈજાગ્રસ્ત હોવાને કારણે ન્યૂઝીલેન્ડે ગુરૂવારે મધ્યમ ગતિના ફાસ્ટ બોલર હામિશ બેનેટને અઢી વર્ષ કરતા વધુ સમય બાદ રાષ્ટ્રીય ટીમમાં પરત બોલાવ્યો છે. ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ૨૪ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પ્રવાતની શરૂઆત ૫ ટી-૨૦ મેચોની સિરીઝથી થશે.
૩૨ વર્ષીય ફાસ્ટ બોલર હામિશ બેનેટ ન્યૂઝીલેન્ડની વનડે ટીમના નિયમિત સભ્ય રહી ચુક્યો છે. તે ૨૦૧૧ વિશ્વકપમાં પણ રમ્યો હતો. બેનેટે છેલ્લે ૨૦૧૭માં બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે મેચ રમી હતી. એક ટેસ્ટ અને ૧૬ વનડે રમી ચુકેલા બેનેટે ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં અત્યાર સુધી પર્દાપણ કર્યું નથી. હામિશ બેનેટે ૧૬ વનડે મેચોમાં ૨૩ની એવરેજથી ૨૭ વિકેટ ઝડપી છે, પરંતુ ૨૦૧૧ બાદથી તેણે માત્ર ચાર મેચ રમી છે.
હાશિમ બેનેટે અત્યાર સુધી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ પાછલી કેટલિક સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના પ્રદર્શને ન્યૂઝીલેન્ડ પસંદગી સમિતિનું ધ્યાન ખેંચ્યું છે. આખરે ઈજાથી નબળા પડેલા ટીમના ફાસ્ટ આક્રમણને મજબૂત બનાવવા માટે બેનેટને સામેલ કરવો પડ્યો છે.
બોલ્ટ અને ફર્ગ્યૂસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ પ્રવાસમાં થયેલી ઈજા બાદ અત્યાર સુધી ફીટ થયા નથી. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો બેનેટને અનુભવી ટિમ સાઉદી, બ્લેયર ટિકર અને સ્કોટ કુગલેઇનનો સાથ મળશે. જ્યારે ઈશ સોઢી અને મિશેલ સેન્ટનર સ્પિન વિભાગની જવાબદારી સંભાળશે.
પ્રથમ ટી ૨૦ઃ ઓકલેન્ડ – ૨૪ જાન્યુઆરી
બીજી ટી ૨૦ઃ ઓકલેન્ડ – ૨૬ જાન્યુઆરી
ત્રીજી ટી ૨૦ઃ હેમિલ્ટન – ૨૯ જાન્યુઆરી
ચોથી ટી ૨૦ઃ વેલિંગ્ટન – ૩૧ જાન્યુઆરી
પાંચમી ટી ૨૦ઃ માઉન્ટ માઉંગાનુઇ – ફેબ્રુઆરી ૨
ન્યૂઝીલેન્ડની ટી-૨૦ ટીમ : કેન વલિયમ્સન (કેપ્ટન), હામિશ બેનેટ, ટોમ બ્રૂસ, કોલિન ડી ગ્રાન્ડહોમ, માર્ટિન ગુપ્ટિલ, સ્કોટ કુગલેઈન, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, રોસ ટેલર, બ્લેયર ટિકર, મિશેલ સેન્ટનર, ટિમ સિફર્ટ, ઈશ સોઢી અને ટીમ સાઉદી.