મુંબઇ : દેશમાં હાલ ઓટો સેક્ટર પર મંદીના વાદળ છવાયા છે. જ્યારે આ સ્થિતિમાં દેશના ઓટો સેક્ટરની પ્રમુખ કંપનીઓમાંથી એક હોન્ડા કંપનીએ તેના ૨૫૦૦ કર્મચારીઓને ઘર ભેગા કર્યા છે. કંપની દ્વારા જે કર્મચારીઓને કોન્ટ્રેક્ટ પર રાખવામાં આવ્યા હતા. એવા કર્મચારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રો મુજબ મંદીના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીએ તેના ગુરુગ્રામના માનેસર પ્લાન્ટથી લગભગ ૨૫૦૦ કર્મચારીઓની છટણી કરી છે. આ કર્મચારીઓ કોન્ટ્રેક્ટ બેઝ હતા. નોકરી જતા કર્મચારીઓએ કંપની પ્લાન્ટ બહાર રોડ પર ભારે હોબાળો મચાવ્યો અને વિરોધ કર્યો. રિપોર્ટ મુજબ કંપનીમાંથી બહાર કરવામાં આવેલ કર્મચારીઓ હોન્ડા પ્લાન્ટની બહાર જમા થયા હતા અને તે મેનેજમેન્ટના નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યા હતા.
રિપોર્ટ પ્રમાણે જ્યારે ગઈકાલે છટણી કરેલા કર્મચારીઓએ કંપનીના પ્લાન્ટની બાહર હોબાળો કર્યો તો ત્યાં સુરક્ષા હેતું પોલીસ દળને બોલાવવામાં આવ્યા હતા. કર્મચારીઓનો આરોપ છે કે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર બહાર કરવામાં આવ્યા છે. જેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે.