ટોક્યો ઓલિમ્પિકની ક્વોલિફાયર મેચ ચીનના વુહાનમાં ૩-૧૪ ફેબ્રુઆરી સુધી યોજાશે…
ન્યુ દિલ્હી : ભારતની સ્ટાર બોક્સર એમસી મેરીકોમે નિખત ઝરીનને ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર માટેના ૫૧ કિલોગ્રામ મહિલા બોક્સિંગની ટ્રાયલ મેચમાં ૯-૧થી હરાવી દીધી છે. શનિવારે દિલ્હીમાં રમાયેલા આ મુકાબલામાં મેરીકોમ શરૂઆતથી જ નિખત પર હાવી રહી હતી. તેણે ઝરીનને સહેજ પણ મચક આપી નહતી અને સરળતાથી મ્હાત આપી હતી. બન્ને મહિલા બોક્સર વચ્ચે આ ચોથી મેચ હતી. અગાઉ મેરીકોમ બે મેચમાં મેરીકોમનો વિજય થયો હતો જ્યારે એક મેચ ઝરીને જીતી હતી.
ટોક્યો ઓલિમ્પિક માટેની ક્વોલિફાયર મેચ વુહાનમાં આગામી ૩-૧૪ ફેબ્રુઆરી સુધી યોજાશે. મેરીકોમ છ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે. તેણે ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પકક જીત્યો હતો. નિખતે આ વર્ષે એશિયન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક મેળવ્યો હતો.
મેરિકોમને ટોક્યો ઓલિમ્પિકમાં સીધું ક્વોલિફાયર રમવા પસંદ કરવા સામે નિખતે રમત મંત્રી કિરણ રિજિજૂને પત્ર લખ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હું નાની હતી ત્યારથી મેરીકોમથઈ પ્રેરિત છું. હું ફક્ત ફેર ટ્રાયલની તરફેણમાં છું.’ મેચ અગાઉ નિખતે જણાવ્યું કે, હાર અને જીતનું મહત્વ નથી. હું નાનપણથી મેરીકોમતી પ્રભાવિત છું અને તેના જેવી મહાન બોક્સર બનવા પ્રયાસ કરી શકું.
મેરીકોમે મેચમાં વિજય મેળવ્યા બાદ જણાવ્યું કે, ‘હું થોડી ગુસ્સે હતી. પરંતુ બધું બરોબર થયું છે. હું હવે આગળની મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. મારા મતે તમારે યોગ્ય દેખાવ બાદ જ કંઈ બોલવું જોઈએ તેના અગાઉ બોલવું જોઈએ નહીં. રિંગમાં તમે શું કરો છો તે તમામ લોકો જોઈ રહ્યા હોય છે.’