ન્યુ દિલ્હી : ડુંગળીના આસમાને પહોંચેલા ભાવથી બેહાલ થયેલા લોકો પર ટૂંક સમયમાં મોંઘવારીનો બીજો મોટો ઘા વાગવા જઈ રહ્યો છે. દેશના મોટા મહાનગરો- દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં ડુંગળીના ભાવ ૧૦૦થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે જો માર્કેટમાં ડુંગળીની સપ્લાય નહીં વધે તો ભાવો આનાથી પણ વધી શકે છે. બીજી તરફ, દિલ્હીમાં તુવેર ૯૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે. સરકારે તુવેર દાળની આયાતનો ૪ લાખ કૉટા નક્કી કર્યો છે. જોકે, વેપારીઓએ હજુ સુધી ૨.૧૫ લાખ ટન જ આયાત કરી છે. એવામાં સરકાર ડેડલાઇન ૩૧ ડિસેમ્બર સુધી વધારવાની તૈયારી કરી રહી છે. મૂળે, સરકારે પહેલા તમામ વેપારીઓને આદેશ આપતાં વિદેશોથી ખરીદેલી દાળને ઑક્ટોબર મહિનામાં જ ભારત લાવવાના નિર્દેશ આપી દીધા હતા. પરંતુ હવે આ તારીખને આગળ વધારીને ૧૫ નવેમ્બર ૨૦૧૯ કરી દીધી હતી. જોકે, વેપારીઓની માંગ તારીખને વધારીને ૩૧ ડિસેમ્બર સુધી કરવાની કરી હતી.
સૂત્રો મુજબ, હજુ સુધી સવા બે લાખ ટન દાળ આયાત થઈ છે. સરકાર ફરી એકવાર ડેડલાઇન વધારવાની તૈયારી કરી ચૂકી છે. નોંધનીય છે કે, સરકાર ૩૧ ડિસેમ્બર સુધી આયાતની ડેડલાઇન વધારી શકે છે. આ પહેલા પણ સરકારે ૧૫ નવેમ્બર સુધી તુવેર આયાતની ડેડલાઇન વધારી હતી.