ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિએ કાશ્મીર રાગ આલાપ્યો…
કશ્મીર સમસ્યા ઉકેલવામાં હું મદદ કરી શકું છું, ઓફર સ્વીકારી કે નહીં એ મોદીએ નક્કી કરવાનું છે : ટ્રમ્પ
વૉશિંગ્ટન,
જમ્મુ-કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કાશ્મીર મામલે નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે મધ્યસ્થતાને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નક્કી કરવાનું છે. ટ્રમ્પે કહ્યું કે મે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી છે. મને લાગે છે કે બંને નેતાઓએ એકસાથે આવવું જોઇએ.
આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કાશ્મીર મુદ્દે કોઇએ મધ્યસ્થતા કરવી જોઇએ, તો તેઓ મદદ કરી શકે છે. મે આ અંગે ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે સાથે વાત કરી છે. આમ કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાના અગાઉના નિવેદન પર આકરી નિંદાનો ભોગ બનવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આ પ્રકારનું નિવેદન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ સંપૂર્ણ રીતે ભારત અને પાકિસ્તાન પર નિર્ભર કરે છે કે તેઓ કાશ્મીર મામલે કોઇની મદદ લેવા ઇચ્છે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો, જેના પર વિવાદ છંછેડાઇ ગયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમને કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા અંગે વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર ભારતમાં ઘણો વિવાદ થયો હતો. જયારે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને નકારી દેવામાં આવ્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે બંને સદનમાં દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મામલે કયારેય મધ્યસ્થતા અંગે વાત કરી નથી.
- Nilesh Patel