દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ‘ભારત બચાવો’ રેલી યોજશે…
સંસદ બાદ હવે કોંગ્રેસ નાગરિક બિલ,દુષ્કર્મના બનાવો, અર્થતંત્રમાં મંદી સહિતના વિવિદ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, આ રેલીમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે…
ન્યુ દિલ્હી : કોંગ્રેસે દીલ્હીના રામલીલા મેદાનમાં શનિવારે મોદી સરકાર વિરુદ્ધ ’ભારત બચાવો રેલી’ યોજીને હલ્લાબોલની રણનીતિ અપનાવી છે જે છેલ્લા ઘણા સમય બાદ મોદી સરકાર સામે દિલ્હીમાં કાર્યકરોને દેશભરમાંથી એકત્ર કરીને શક્તિપ્રદર્શન દર્શાવવાનું પણ ફોક્સ કર્યું છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ આ રેલીમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેલીમાં કોંગ્રેસનું ફોકસ રાહુલ ગાંધી પર હશે.
છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને નાગરિકતા બિલને લઇને પૂર્વોત્તરના રાજ્યોમાં સર્જાયેલો અજંપો,દેશના અર્થતંત્રમાં મંદી,નિર્ભયા કાંડ,વધી રહેલી બેરોજગારી સહિત ખેડૂતોની સમસ્યાઓ જેવા મુદ્દાઓ ઉઠાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. એવી પણ માહિતી મળી રહી છે કે રેલીમાં રાહુલને પ્રોજેક્ટ કરવાની યોજના છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભૂતપુર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ આ રેલીમાં ભાગ લેશે. પક્ષના વરિષ્ઠ નેતાઓ સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાંધશે. રેલીનું ફોકસ મોદી સરકારની નીતિઓની આકરી ટીકા કરવાનું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલી માટે કોંગ્રેસનું સૂત્ર ’મોદી હૈ તો મંદી હૈ’ હશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીમ રાહુલનો પ્રયાસ છે કે તે રેલીમાં ફરી એક વખત રાહુલને પ્રોજેક્ટ કરવા અને તે માટે માહોલ તૈયાર કરવાની યોજના છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી દીધુ હતું. એવી પણ સંભાવના છે કે રેલીમાં રાહુલ ગાંધીને ફરી એક વખત પક્ષના અધ્યક્ષ બનાવવા માટે માંગ ઉઠી શકે છે. પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે રેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીના માસ્ક સાથે દેખાશે. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ રેલીમાં સંપૂર્ણપણે રાહુલનું સમર્થન કરતા દેખાશે. કાર્યકર્તાઓના હાથમાં બેનર, પોસ્ટર, ઝંડા હશે, જેઓ પક્ષના નેતૃત્વ માટે રાહુલના પક્ષમાં માહોલ તૈયાર કરશે.
સોનિયા ગાંધી પક્ષના વચગાળાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત આ મોટાપાયે રેલી યોજાઈ રહી છે. જોકે તેનો ઉદ્દેશ કોંગ્રેસ પક્ષમાં ટીમ રાહુલનું શક્તિ પ્રદર્શન કરવાનું પણ છે. અગાઉ આ રેલી ૩૦મી નવેમ્બરના રોજ યોજાવાની હતી, પરંતુ બાદમાં સંસદના શિયાળુ સત્રને ધ્યાનમાં રાખી તેનો સમય ૧૪મી ડિસેમ્બર કરવામાં આવ્યો હતો.