લખનૌ : ઉત્તર પ્રદેશમાં બે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી ઘૂસ્યા હોવાના ગુપ્તચર તંત્રના સંદેશને પગલે ભારત-નેપાળ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. યુપીના ટોચના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મહારજગંજ, કુશિનગર અને સિદ્ધાર્થ નગર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
‘અમારા ધ્યાન પર આવ્યું છે કે બે વોન્ટેડ આતંકવાદી અબ્દુલ સામદ અને ઈલિયાસ ઉત્તર પ્રદેશમાંથી નેપાળ ભાગી જવાની પેરવીમાં છે, જેને પગલે અમે સતર્ક રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે,’ તેમ બસ્તીના આઈજી આશુતોષ કુમારે જણાવ્યું હતું. કુમારના મતે ગુપ્તચર તંત્રની બાતમી બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બન્ને સંદિગ્ધ આઈએસના આતંકવાદીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે અને જાહેર સ્થળો પર પણ લગાડવામાં આવી છે. પોલીસ અધિકારીના મતે આ બન્ને આતંકવાદી ક્યા સંગઠન સાથે સંકળાયેલા છે તેનો તેમને ખ્યાલ નથી.
અગાઉ આ બન્ને આતંકવાદીઓ પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં દેખાયા હતા અને તેઓ કથિત રીતે આઈએસ સાથે સંકળાયેલા હોવાનું જણાયું છે. રાજ્યની પોલીસે બન્ને આતંકીઓને ઝડપી પાડવા માટે મોટાપાયે બંદોબસ્ત ખડકી દીધો છે.
ભારત અને નેપાળ વચ્ચે ૧,૭૫૧ કિલોમીટર લાંબી બોર્ડર રહેલી છે. પાકિસ્તાન આ બોર્ડરનો ઉપયોગ આતંકવાદીઓની ઘૂસણખોરી માટે કરતું હોય છે. ભારતની સરહદની સુરક્ષા કરતી સેના તેમજ પોલીસે અગાઉ સંયુક્ત ઓપરેશનમાં અનેક વખત આવા પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે. ઉત્તર પ્રદેશની ૫૯૯.૩ કિમીની લાંબી સરહદ નેપાળને અડીને આવેલી છે. આ સરહદ પીલીભીંત, લખિમપુર ખેરી, બહરાઈચ, સરસ્વતી, બલરામપુર, સિદ્ધાર્થનગર અને મહારાજગંજ એમ સાત જિલ્લામાંથી પસાર થાય છે.