Charotar Sandesh
ઈન્ડિયા

રાજકારણથી દૂર રહી, સરકારના આદેશનું પાલન કરીએ છીએ : બિપીન રાવત

બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બન્યા…

બિપિન રાવતને ત્રણેય સેનાઓ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો, આર્મી ચીફ નરવણેએ નેશનલ વાર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી…

ન્યુ દિલ્હી : ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ બિપીન રાવતે બુધવારથી દેશના સંરક્ષણની ત્રણેય પાંખ – ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. જનરલ બિપીન રાવત બુધવારથી દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બની ગયા છે. રાષ્ટ્રીય પાટનગરમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે એમને સેનાની ત્રણેય પાંખ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને સીડીએસ જનરલ રાવતે એ સમ્માનનું અભિવાદન કર્યું હતું.
બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ રાવતે કહ્યું કે, સીડીએસ સેનાની ત્રણેય પાંખ પર નિયંત્રણ રાખશે, ત્રણેય પાંખ સાથે એ નિષ્પક્ષ રહેશે. અમે ત્રણેય સેનાને જોડીને ત્રણ નહીં, પણ પાંચ કે સાત બનાવીશું. સીડીએસને આ કામગીરી સોંપવામાં આવી છે. અમે એક ટીમ તરીકે કામ કરીશું અને ત્રણેય સેના સાથે મળીને કામગીરી બજાવે એનું ધ્યાન રાખીશું. જનરલ રાવતે પદ ભાર સંભાળ્યા બાદ કહ્યું કે,‘સીડીએસ તરીકે મને એક મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે. ત્રણેય સેનાઓએ સાથે મળીને કામ કરવાનું છે. અમે એક એવી ટીમની જેમ કામ કરીશું જે ૧+૧+૧+ બરાબર ૩ નહીં, પણ ૫ અને ૭ હશે.’ તેમના રાજકીય નમતા વલણ અંગે પણ રાવતે કહ્યું કે, અમે સત્તામાં હાજર સરકારના આદેશો પર કામ કરીએ છીએ, પણ રાજકારણથી જેટલું બને તેમ દૂર રહીએ છીએ.
જનરલ રાવતે એમ પણ કહ્યું કે, આ ઉપરાંત અમે રિસોર્સ મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપીશું. સંરક્ષણ તાલીમને કઈ રીતે આગળ વધારી શકાય છે તે અમે જોઈશું. આગળ જે કામગીરી મળશે એને અમે સક્ષમ રીતે બજાવીશું.
સીડીએસ ૪-સ્ટાર જનરલ હશે અને તેઓ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવનાર એક નવા વિભાગના સચિવ તરીકે કામ કરશે, એ વિભાગનું નામ રાખવામાં આવ્યું છે – ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સ. આ ઉપરાંત સીડીએસ કેન્દ્ર સરકારને સૈન્યની બાબતો અંગે સલાહ આપશે.
સરકારે સ્પષ્ટતા કરી જ દીધી છે કે સીડીએસ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળને સીધી રીતે કન્ટ્રોલ નહીં કરે, પરંતુ એમને અંતર્ગત સેનાની ત્રણેય પાંખના સંયુક્ત કમાન્ડ અને ડિવિઝન રહેશે.
સીડીએસ સંરક્ષણને લગતા મુદ્દાઓ પર સંરક્ષણ પ્રધાન સાથે સીધા સંપર્કમાં રહેશે અને પોતાનાં મંતવ્યો આપશે. ટૂંકમાં, સીડીએસ સંરક્ષણ પ્રધાનના સૈન્ય સલાહકાર તરીકે ફરજ બજાવશે. સંરક્ષણ પ્રધાને ત્રણેય સેનાના વડાઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરવાને બદલે હવેથી સીડીએસ સાથે જ વાતચીત કરશે. ત્રણેય સેનાનો સંપૂર્ણ ટ્રાઈ સર્વિસ કમાન્ડ સીડીએસને આધીન રહેશે.
ઉલ્લેખનીય છે કે, કારગીલ યુદ્ધ બાદ કારગીલ રિવ્યૂ કમિટી તથા નરેશ ચંદ્ર કમિટીએ દેશમાં સીડીએસની નિમણૂક કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી અને એના આધારે જ નરેન્દ્ર મોદી સરકારે પ્રથમ સીડીએસની નિમણૂક કરી છે.
જનરલ રાવતે કહ્યું કે, સીડીએ સેનાની ત્રણેય પાંખ સાથે સરસ તાલમેલ રાખશે. સાથોસાથ, સંરક્ષણ પાછળ ખોટો ખર્ચ ન થાય અને બજેટમાં ફાળવાયેલી રકમનો યોગ્ય રીતે ઉપયોગ થાય એની પર દેખરેખ રાખશે. ત્રણેય સેનાનાં અધિકારીઓની ટ્રેનિંગ સ્કૂલ એટલે કે નેશનલ ડીફેન્સ એકેડેમી સીડીએસના નિયંત્રણમાં રહેશે.
આ ઉપરાંત આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસ, એન્જિનિયરિંગ સર્વિસ અને નેશનલ ડીફેન્સ કોલેજ પણ સીડીએસના કમાન્ડ હેઠળ રહેશે. જનરલ રાવતે વધુમાં કહ્યું કે, સીડીએસને મુખ્ય જવાબદારી દેશ માટે ભાવિ રણનીતિ ઘડવાની આપવામાં આવી છે.
સીડીએસના રાજકીય ઝોક વિશેના સવાલના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે અમે રાજકારણથી ઘણા દૂર રહીએ છીએ. અમારે સામાન્ય રીતે શાસક પક્ષના આદેશો અનુસાર કામ કરવાનું રહેતું હોય છે.
સીડીએસ બન્યા બાદ જનરલ રાવતનો ગણવેશ બદલાઈ ગયો છે. એમના ગણવેશનો રંગ ઓલિવ ગ્રીન (જૈતૂન લીલો) રહેશે. આ ગણવેશમાં સેનાની ત્રણેય પાંખના ગણવેશના તમામ ઘટક રહેશે.

Related posts

મહારાષ્ટ્ર સ્થિતિ વણસી : કોરોનાના એક દિવસમાં ૪૩,૦૦૦ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા…

Charotar Sandesh

ભાજપને હરાવવા વિરોધી પક્ષોની મોટી યુતિ જરૂરી : એનસીપી

Charotar Sandesh

પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર, કાચા તેલના ભાવમાં સુસ્તી…

Charotar Sandesh