ખુલ્લેઆમ વેચાતી અને છાસવારે પકડાતી દારૂબંધી…
ગેહલોતે કહ્યું અહીં દારૂનું ચલણ છે : રૂપાણીએ કહ્યું રાજસ્થાનમાં દારૂબંધી કરો…
અમદાવાદ : ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ રાજ્યમાં અવાર-નવાર દારૂ પકડાવાની ઘટનાઓ સમાચાર માધ્યમમાં ચમકતી રહે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અગાઉ પણ ગુજરાતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે એવું નિવેદન આપી ચૂક્યા છે. શનિવારે ગુજરાત કોંગ્રેસના જનવેદના સંમેલનમાં ભાગ લેવા આવેલા અશોક ગેહલોત પોતાના નિવેદન પર વળગી રહ્યા હતા અને ફરીથી કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ વેચાય જ છે.
અશોક ગેહલોતના નિવેદનનો જવાબ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે, ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી લાગુ કરી બતાવે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શનિવારે કોંગ્રેસના જનવેદના સંમેલનમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા હતા. અહીં તેમણે જણાવ્યું કે, “ગુજરાતમાં દારૂબંધી અંગેના મારા અગાઉના નિવેદનને હું વળગી રહ્યો છું. અગાઉ પણ મેં એ જ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ મળે છે. એ સમયે મારા નિવેદનને મારા નિવેદનને તોડી મરોડીને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને અશોક ગેહલોતે ગુજરાતવાસીઓની બેઇજતી કરી છે તેવો પ્રચાર કરાયો હતો. રૂપાણીએ રાજકીય રંગ આપવા તેને ખોટી રીતે રજૂ કર્યું હતું. આ મુખ્યમંત્રી નિષ્ફળ છે. જો ગુજરાતમાં ખરેખર દારૂ બંધ કરવો હોય હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરવી જોઈએ.