મહત્તમ તાપમાનમાં ૩થી ૪ ડિગ્રી ઘટાડો નોંધાયો…
અમદાવાદ : હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી તોફાન ‘પવન’ ને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં શનિવારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડો પવન ફૂંકાવા સાથે ધાબડીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. હાલ લોકોને શિયાળાની સાથે સાથે ચોમસા એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ બેવડી ઋતુને કારણે બિમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
આ ઉપરાંત હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર ‘ડિસ્ટન્ટ ચેતવણી’ સિગ્નલ નંબર ૨ ફરકાવવાની સલાહ પણ અધિકારીઓને આપી હતી. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું હતું.
અમદાવાદ સહિત રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩થી ૪ ડિગ્રી ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસે પણ લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૩.૯ ડિગ્રી ઘટીને ૨૬.૮ ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ૪.૬ ડિગ્રી વધીને ૧૯.૦ ડિગ્રી નોંધાયું હતું.