બે ડૉક્ટર સહિત કોંગોના ૯ દર્દી સારવાર હેઠળ, પશુપાલન વિભાગને ઇતરડીનો નાશ કરવા સૂચના…
અમદાવાદ,
ચોમાસાના મધ્યાંતરે રાજ્યમાં કોંગો ફિવરે ભરડો લીધો છે. કોંગોનો વાયરસ ઝડપથી પ્રસરાઈ રહ્યો હોવાના લીધે અત્યારસુધીમાં ૩ મોત થઈ ગયાં છે. આજે રાજ્યના લીંબડી તાલુકાના જામડી ગામે લીલાબહેન સિંઘવનું મોત થયું છે, જ્યારે ભાવનગરમાં અમુ બહેન નામના એક મહિલાનું મોત થયું છે.
ભાવનગરના કમળેજ ગામની ૨૫ વર્ષની મહિલા અમુબેનને તાવ આવતા તેને ગત ૨૨ ઓગસ્ટના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેના લોહીના નમૂના લઇ પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને વધુ સારવાર મળે તે પહેલા જ રાત્રે ૨ વાગ્યે તેણીનું મોત થયું હતું. જેથી ફરજ પરના તબીબે તેને શંકાસ્પદ કોંગો ફિવરને કારણે મોત થયાનું જાહેર કર્યું હતું. પરંતુ ગઇકાલે પૂનાથી રિપોર્ટ આવ્યો તેમાં સત્તાવાર રીતે સ્પષ્ટ થયું હતું કે, મહિલાનું મોત કોંગો ફિવરને કારણે નીપજ્યું છે.
આ અંગે ભાવનગરના જિલ્લા રોગનિયંત્રણ અધિકારી ડૉ.પી.એ. પઠાણે જણાવ્યું હતું કે જિલ્લાના કમરેજ ગામે એક બહેનને પાંચ દિવસ પહેલાં તાવની ફરિયાદ હતી. તેમનું ૨૩મી તારીખે વહેલી સવારે મૃત્યુ નીપજ્યું હતું. તેમના સેમ્પલ પુણે ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતા. આ સેમ્પલમાં પોઝિટવ પરિણામ આવ્યું છે. મહિલાનું મોત કોંગોના કારણે થયું છે. અમે શુક્રવારથી જ ગામનો સરવે કરી અને કમરેજનાં ૨૩ લોકોનાં સેમ્પલ લીધા છે.
આ પહેલા ૨૦ ઓગસ્ટના રોજ કોંગો ફિવરને કારણે મૃત્યુ પામેલા લીલાબેન સિંધવના સાસુને પણ કોંગો ફિવર થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તેની સારવાર કરનાર નર્સના પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ કોંગો ફિવરના લક્ષણ ધરાવતા ૯ લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ૯ દર્દીઓમાં હળવદના ૩, એક રાયખડનો યુવાન, બે ડૉક્ટર, ૨ પેરા મેડિકલ સ્ટાફ અને એક જામડી ગામની મહિલાનો સમાવેશ થાય છે.
લીંબડી તાલુકાના ઝામડી ગામે કોંગો ફીવરનો કેસ નોંધાતાં આરોગ્ય ટીમના ગામમા ધામા કર્યા છે. થોડા સમય પહેલા આ ગામમાં કોંગો વાયરસથી બે મહિલાઓના મોત થયા હતા. તેમજ એક મહિલાનો લેબોરેટરી રિર્પોટ કરાવતા કોંગો ફીવર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તંત્રએ સક્રિય બનીને તાત્કાલિક આ મામલે સમગ્ર ઝામડી ગામમાં દવાના છંટકાવ સાથે ફોગિંગ કરાવ્યું હતું. તેમજ ગામમાં આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ આ બાબતે ડીડીઓ, ટીડીઓ, આરોગ્ય અધિકારી, પશુ ડોકટર સહિતના કાફલાએ ગામની મુલાકાત લીધી અને રોગચાળો અટકાવવા ગામ લોકો સાથે જાગૃતા લાવી ને કરી ગંદકી દૂર કરવા અને અન્ય આરોગ્યને લગતાં સલાહ સૂચન કર્યા છે.