આરઆઇએલના શૅરમાં ૧.૭ ટકાનો ઉછાળો આવતાં માર્કેટ કેપ ૯ લાખ કરોડને પાર…
રિલાયન્સનો માર્કેટ કેપ ૧૪ મહિનામાં ૧ લાખ કરોડ રૂપિયા વધ્યો, ઓગસ્ટ ૨૦૧૮માં ૮ લાખ કરોડે પહોંચી હતી,ટાટા ગ્રુપની કંપની ટીસીએસ માર્કેટ કેપમાં બીજા નંબરે,વેલ્યુએશન ૭.૬૭ લાખ કરોડ રૂપિયા…
મુંબઇ : માર્કેટ કૅપના હિસાબથી RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં ૧.૭%નો ઉછાળો આવતા કંપનીનો માર્કેટ કૅપ ૯ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવું કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે. નોંધનીય છે કે, ગયા વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ મૂકીને RIL દેશમાં સૌથી વધુ કમાણી નોંધાવનારી કંપની પણ બની ગઈ છે. પેટ્રોલિયમથી લઈને, રીટેઇલ અને ટેલીકૉમ જેવા વિભિન્ન સેક્ટરમાં ફેલાયેલી RIL નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૬.૨૩ લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. બીજી તરફ, આઈઓસીએ ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષમાં ૬.૧૭ લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. જ્યારે, RIL આઈઓસીથી બે ગણું કમાઈને દેશની સૌથી મોટી નફો કરનારી કંપની પણ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીના માર્કેટ કેપમાં ઉછાળો આવ્યો છે. હવે માત્ર રિલાયન્સનો માર્કેટ કેપ ૬ સરકારી કંપનીઓ બરાબર થઈ ગયો છે. નોંધનીય છે કે, દેશની SBIની માર્કેટ કેપ ૨.૪ લાખ કરોડ છે. બીજી તરફ, ONGCની ૧.૮ લાખ કરોડ, IOCની ૧.૪ લાખ કરોડ, NTPCની ૧.૨ લાખ કરોડ, પાવર ગ્રિડની ૧ લાખ કરોડ અને BPCL ૧.૧ લાખ કરોડ છે. જેથી આ તમામ કંપનીનો માર્કેટ કેપ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી ઓછો છે.
દુનિયાની મોટી રિસર્ચ ફર્મ અમેરિકન બેંક મેરિલ લિંચે પોતાના નવા રિપોર્ટમાં કહ્યું છે કે રિટેલ અને બ્રોડબેન્ડ જેવો કારોબાર શરૂ કર્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો માર્કેટ કેપ આગામી ૨૪ મહિનામાં ૨૦,૦૦૦ અમેરિકન ડૉલર (લગભગ ૧૪.૨૦ લાખ કરોડ રૂપિયા) થઈ શકે છે. એવું કરનારી આ ભારતની પહેલી કંપની હશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ ૫૫.૩ અબજ ડોલર(૩.૮૬ લાખ કરોડ રૂપિયા)છે. અંબાણીએ ગત વર્ષે ચીનની અલીબાબાના ફાઉન્ડર જૈકને પણ પાછળ મુકીને એશિયાના નંબર વન અમીર બન્યા હતા. જૈક માની નેટવર્થ હાલ ૪૧.૭ અબજ ડોલર(૨.૯૬ લાખ કરોડ રૂપિયા)છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના ૧૨૨ અબજ ડૉલર માર્કેટ કેપથી ૨૦૦ અબજ ડૉલર સુધી પહોંચવા માટે અસંગઠિત કરિયાણા સ્ટોર્સમાં મોબાઇલ પોઇન્ટ ઑફ સેલ (M-PoS) લગાવીને રિટેલ વેપાર પર પકડ, માઇક્રોસૉફ્ટની સાથે એસએમઈ સેક્ટરમાં પ્રવેશ અને જિયો ફાઇબર બ્રોડબેન્ડ વેપારની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. મુકેશ અંબાણીની કંપનીને ટેલિકૉમ વેપારમાં પ્રતિ મોબાઇલ ફોન યૂઝરથી મળનારી આવક નાણાકીય વર્ષ ૨૦૨૨૨ સુધી હાલના ૧૫૧ રૂપિયાથી વધીને ૧૭૭ રૂપિયા થઈ જશે.
૧ કરોડ કરિયાણા સ્ટોર્સ કંપનીને M-PoS ઇન્સ્ટોલ કરવા માટે પ્રતિ મહિને ૭૫૦ રૂપિયાની ચૂકવણી કરશે. બે વર્ષમાં બ્રૉડબ્રેન્ડ યૂઝર્સની સંખ્યા ૧.૨૦ કરોડ થઈ શકે છે. તેમાંથી ૬૦ ટકા દર મહિને સરેરાશ ૮૪૦ રૂપિયા આપશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી પેટ્રોકેમિકલ અને બીજી સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ કંપની છે.