રાજ્ય સરકાર પણ અસુરક્ષિત, ચોરોને મોકળું મેદાન…
ગાંધીનગર : ગાંધીનગર પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી ચોરી થઇ છે. જેમાં પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી ૪૨ લાખના પુસ્તકો ગાયબ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. તેમજ ૮ નવેમ્બરના રોજ પુસ્તકો ગાયબ થયાની અરજી કરાઇ હતી. જેમાં સમગ્ર મામલે ૩ અધિકારીઓ સામે શંકાની સોય આવી છે.
ગાંધીનગરના સેક્ટર – ૨૧ પોલીસ મથકમાં આ લેખિત અરજી કરાઈ છે. જેમાં અંદાજે ૪૨ લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે સરકારી શાળાઓને આપવામાં આવતા પુસ્તકો અહિં રાખવામાં આવે છે. તેમજ સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં હજુ કોઈ ફરીયાદ થઇ નથી.
૮ નવેમ્બરના રોજ પુસ્તકો ગાયબ થયાના એક માસ બાદ પોલીસ અરજી કરવામાં આવી છે જેને પગલે પાઠ્યપુસ્તક મંડળ ખુદ શંકાના ઘેરામાં આવી જાય છે. જો પુસ્તકો ૮મી નવેમ્બરે ગુમ થયા હતા તો ફરિયાદ છેક ડિસેમ્બરમાં કેમ કરવામાં આવી.
ગાંધીનગરમાં પાઠ્યપુસ્તક મંડળની એક ગોલમાલ સામે આવવાની શક્યતા છે. હાલ પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી રૂા. ૪૨ લાખના પુસ્તકો ચોરી થઈ જવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવવામાં આવી છે. ત્યારે ખરેખર થાય કે આવી રીતે કોઈ લાખોના પુસ્તકો કેમ ચોરી જાય અને એ પણ સરકારી પુસ્તકો જ કેમ.