રાજકોટ લોકમેળાનો ચોથો દિવસ હતો. ત્રણ દિવસમાં ૪ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. ચોથા દિવસે પણ લાખોની સંખ્યામાં લોકો મેળો માણે તેવી સંભાવના છે. ત્યારે અત્યાર સુધીમાં ૫૨ બાળકો માતા-પિતાથી વિખુટા પડી ગયા જે પોલીસે શોધી પરત કર્યા હતા. તેમજ ૧૩૨ મોબાઇલ અને પર્સ ગુમ થયાની ફરિયાદ આવી છે. ચોથા દિવસે ૬૮ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો. જન્માષ્ટમીના તહેવારને લઇને રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં ૫,૯૮, ૨૭૦ રૂપિયાની આવક થઇ છે.
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની ટીમે ચોથા દિવસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું હતું. ૪૭ સ્ટોલ પર ચેકિંગ કરી ૨૯ સ્ટોલ ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં ૬૮ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. વાસી બ્રેડ, સુધારેલા ફ્રુટ, કલર, લસ્સી, માવા કેન્ડીની સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ૨૩ તમાકુની પડીકી પકડી પાડવામાં આવી હતી.
પ્રદ્યુમન પાર્કમાં જન્માષ્ટમીના તહેવારને લઇને ૨૫,૩૯૫ લોકોએ મુલાકાત લીધી છે. પાર્કમાં બેટરી કાર વારંવાર બંધ થઇ જતા સહેલાણીઓ પરેશાન બન્યા છે. અનેક સહેલાણીઓને ૨-૨ કિલોમીટર ચાલવું પડતું હોવાથી નારાજગી વ્યાપી ગઇ છે. સાતમ-આઠમના બે દિવસમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં ૬૭,૨૩૯ મુસાફરોએ મુસાફરી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાને ટિકિટ પેટે ૪,૨૨,૮૭૬ રૂપિયાની આવક થઇ છે.