બે મુખ્યમંત્રીઓની ‘તુ તુ – મેં મેં’માં પોલીસ સાતેય કામ પડતા મુકી દારૂ પકડવા ઉંધે માથે : ગત વર્ષે દર એક મીનીટે એક બોટલ પકડાયાનો જાણકારોનું તારણ…
સાણંદ પંથકના ચાંગોદર ગામે વિદેશી દારૂનુ આખુ ગોડાઉન પકડી ૧૨૦૦થી વધુ બોટલો કબ્જે કરતા ખળભળાટ મચી ગયો…
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય રહ્યાના આપેલા નિવેદન અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનોના પ્રતિ નિવેદન તથા શંકરસિંહ વાઘેલાના ચોંકાવનારા નિવેદનને પગલે – પગલે ગુજરાતની પેટાચૂંટણીઓ તથા તહેવારોને ધ્યાને લઈ રાજ્યના અનુભવી પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ગુજરાતભરમા દારૂના અડ્ડાઓ-ગોડાઉનો પર તૂટી પડવાના આદેશના આજે બીજા દિવસે પણ રાજ્યભરની પોલીસ ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકી રહી છે. તેવા સમયે અમદાવાદ જિલ્લા પોલીસ વડા આર.વી. અસારી તથા ડીવાયએસપી કે.ટી. કામરીયા દ્વારા બે ડગલા આગળ વધી સાણંદ પંથકના ચાંગોદર ગામે વિદેશી દારૂનુ આખુ ગોડાઉન પકડી ૧૨૦૦થી વધુ બોટલો કબ્જે કરતા ખળભળાટ મચી ગયો છે.
આ બાબતે ડીવાયએસપી કે.ટી. કામરીયાએ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ફતેવાડી કેનાલ પાસે આવેલ ગોડાઉનમાં ચોક્કસ શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા જથ્થામાં રાખી રીપેકીંગ કરી રહ્યાના અહેવાલો સંદર્ભે પી.આઈ. જે.ડી. દેવડા તથા સ્ટાફને સાથે રાખી રેડ કરવામાં આવેલ.
પ્રાથમિક તબક્કે જ ૬ લાખનો દારૂ મળી આવ્યો છે. દારૂ સંદર્ભે મનોહરસિંહ રાઠોડ (રાજસ્થાન), ગૌતમસિંહ રાઠોડ (રાજસ્થાન)ને ઝડપી લઈ રિમાન્ડ પર લેવા કાર્યવાહી શરૂ થઈ છે. કાર્યવાહીમાં હેડ કોન્સ. છગનભાઈ, ગણેશભાઈ, કનિદૈ લાકિઅ મહીપતસિંહ, મયુરદાન, સરદારસિંહ, પ્રદીપસિંહ, મહેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, પોલીસમેન રણછોડભાઈ, શૈલેષભાઈ અને જીતેન્દ્રભાઈ વિગેરે ટીમ કાર્યવાહીમાં સામેલ થઈ હતી. અત્રે યાદ રહે કે ગઈકાલે સુરતમાં ૧૦ ટીમો દ્વારા ઠેર ઠેર દારૂના દરોડાઓ પાડવામાં આવ્યા હતા. મહેસાણામાં પણ મોટી રકમનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા ટીમ દ્વારા દેશી દારૂના અડ્ડાઓનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યો છે.
અમદાવાદ છારાનગર કે જ્યાં ઠેર ઠેર દારૂ જ મુખ્ય ધંધો છે તેના પર ડીસીપી નિરજ બડગુજર ટીમ દરરોજ બબ્બે વખત દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમની સૂચનાથી દારૂ અંગેની આ સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ થઈ છે. તેવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા કહે છે કે ગુજરાતમાં દારૂ પ્રવેશતો અને વેંચાતો રોકવા અમારી મુખ્ય પ્રાથમિકતા છે. એક અંદાજ મુજબ ગયા વર્ષે દારૂના દરોડાઓ વખતે દર એક મીનીટે દારૂની એક બોટલ કબ્જે થયાનો અનુભવી પોલીસ અધિકારીઓ દ્વારા અંદાજ કાઢવામાં આવ્યો છે.