વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે વડોદરામાં ૬ ફ્લાય ઓવરને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.વડોદરા મહાનગરમાં જે ૬ ફલાય ઓવર નિર્માણની મંજૂરી આપી છે તેમાં વૃંદાવન ચાર રસ્તા જંકશન, ખોડિયાર નગર ચાર રસ્તા જંકશન, સરદાર એસ્ટેટ જંકશન, સંગમ ચાર રસ્તા જંકશન, વાસણા રોડ ચાર રસ્તા (પેટ્રોલ પંપ પાસે), સમા તળાવ પાસે ફલાય ઓવરબ્રીજનો સમાવેશ થાય છે.
વડોદરા મહાપાલિકાએ આ હેતુસર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલી રૂ. ૨૭૦ કરોડની દરખાસ્તમાં આ વર્ષે કુલ રકમના ૧૦ ટકા પ્રમાણે મુખ્યમંત્રીએ ૨૭ કરોડ રૂપિયા ફાળવવાની શહેરી વિકાસ વિભાગને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
રાજ્ય સરકારના ૨૦૧૯-૨૦ના આ વર્ષના બજેટમાં સમગ્ર રાજ્યમાં મહાનગરોમાં ૭૫ ફલાય ઓવરબ્રીજનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદ મહાનગરમાં ૨૦ ફલાય ઓવરમાંથી રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૭ ફલાય ઓવર,સુરત મહાનગરમાં ૧૦ ફલાય ઓવર પૈકી ૮ ફ્લાય ઓવર ઉપરાંત જામનગર અને ભાવનગર મહાનગર માં એક એક ફ્લાય ઓવર ના નિર્માણ ની સૈદ્ધાંતિક મંજૂરીઓ પણ મુખ્યમંત્રીએ આપી છે.