વડોદરા : સોમવારથી આરટીઓના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. ત્યારે આ દંડમાં પોલીસ અધિકારીઓને પણ સામેલ કરાયા છે. રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતાં જ વડોદરા ટ્રાફીક પોલીસે સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં ટ્રાફિક એસીપી અધિકારી સહિતના કર્મચારીઓને ડબલ દંડ ફટકાર્યો છે.
વડોદરામાં પોલીસની પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા પોલીસ કર્મચારીઓ સામે તંત્રએ જ લાલ આંખ કરી છે. પોલીસ હેડ કર્વાટર્સ, અકોટા પોલીસ લાઈન અને પોલીસ ભવન પાસે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અનેક પોલીસ કર્મચારીઓને ડબલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હકીકત તો એ છે કે, ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરતા અનેક પોલીસ કર્મીઓ પકડાયા છે. ટ્રાફીક એસીપી અધિકારી સહિત અનેક પોલીસ કર્મચારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકોને દંડતા પોલીસ કર્મચારીઓ પણ અનેકવાર નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાતા હોય છે. ત્યારે આવામાં વડોદરા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જેના વખાણ લોકો પણ કરી રહ્યાં છે.