નદીની સપાટીમાં વધારો થતા શહેરમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસી ગયા હતા…
વડોદરા,
વડોદરામાં આવેલા વિનાશક પૂરના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા. વિશ્વામિત્રીના પાણીમાં ગરકાવ થયેલા શહેરમાં હવે પાણી ઓસરતાની સાથે જ મગરો અને સરીસૃપો બહાર નીકળી રહ્યાં છે. વન વિભાગ અને પ્રાણી પ્રેમીઓની સંસ્થાઓના સહયોગથી અત્યાર સુધીમાં શહેરમાંથી ૧૮ મગર, ૩ કાચબા અને ૨૭ સાપ રેસ્ક્યૂ કરાયા છે.
આજે વહેલી સવારે પણ એક મહાકાય કાચબાને રેસ્ક્યૂ કરી અને વન વિભાગની ઑફિસ ખાતે આવેલા રેસ્ક્યૂ સેન્ટરમાં લઈ આવવામાં આવ્યો હતો. પૂરના કારણે વડોદરાના લાલબાગ, ફતેગંજ, અકોટા, ગોત્રી, નિઝામપુરા, માંજલપુર, મકરપુરા, વિસ્તારમાંથી સરીસૃપો મળી આવ્યા હતા.
વડોદરા શહેરમાં ૨૪ કલાકમાં ૨૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે આજવા સરોવરમાથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી ૩૪ ફૂટે પહોંચી હતી. નદીની સપાટીમાં વધારો થતા શહેરમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસી ગયા હતા.