-
કિશનવાડી વિસ્તારના રિક્ષા ચાલકે પોલીસને જાણ કરતાં ભાંડો ફૂટ્યો …
-
કાલોલ તાલુકાના અડાદરા ગામ પાસેથી અર્ધબળેલી લાશ મળી હતી…
-
રૂષાંકને કોર્ટમાં તારીખ હોવાનું જણાવી વુડાના એક મકાનમાં લઈ જઇ બેરહેમીપૂર્વક મારી હત્યા કરી…
વડોદરા : બૂટલેગરની પત્ની સાથે આડા સંબંધ રાખનારા કિશનવાડીના યુવકની બૂટલેગર અને તેના ત્રણ મિત્રોએ હત્યા કરીને તેની લાશને કોથળામાં બાંધી કાલોલ તાલુકાના અડાદરા ગામ પાસે સૂકી કાંસમાં પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. વારસિયા પોલીસે યુવકની હત્યા કરનારા બૂટલેગર અને તેના 2 મિત્રોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને શોધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એસ.આનંદે જણાવ્યું હતું કે, કિશનવાડી વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક પ્રેમકિશન માછીની રિકશામાં ગુરુવારે કેટલાક શખ્સો અનાજ લઇ જવાનું છે તેમ કહીને કોથળા સાથે અડાદરા લઇ ગયા હતા. જો કે રિકશામાંથી લોહીના ડાઘ મળતા અજુગતુ બન્યાની શંકાએ રિકશાચાલકે પોલીસને જાણ કરી હતી.
જેને પગલે પોલીસની એક ટીમ તાત્કાલિક ગેગડીયા ચોકડીથી અડાદરા ગામ તરફ જવાના રસ્તા પર એક ખેતર પાસેના સૂકા કાંસ પાસે પહોંચી હતી. જ્યાં એક કોથળામાં બાંધેલી અર્ધ બળેલી હાલતમાં લાશ જોવા મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પેટ્રોલ વડે લાશને સળગાવી હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે યુવકના માથા અને પગ પર ઈજાનાં નિશાન પણ મળ્યાં હતાં. પોલીસે તપાસ કરતાં આ યુવક કિશનવાડીના વુડાના મકાનમાં રહેતો રૂષાંક ઉર્ફે નંદુ રઘુનાથ માતવંકર (ઉં.વ.27) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રૂષાંકની માતા મીનાક્ષીબેનને લાશ બતાવી ખરાઈ કરી હતી. પોલીસે મૃતકની માતા મીનાક્ષીબેનને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે 1:30 થી 2 વાગે અનીલ ઉર્ફે અન્નુ મારા દીકરાને કોર્ટમાં તારીખ હોવાનું જણાવી લઈ ગયો હતો. જ્યારે રાત થઈ ગઈ હોવા છતા દીકરો ઘરે ન આવતાં મેં શોધખોળ કરી પરંતુ તે મળી આવ્યો ન હતો. માતા તેમજ રિક્ષા ચાલકનાં નિવેદન બાદ પોલીસે કિસનવાડીના વુડાના મકાનોમાંથી જ રિક્ષામાં સવાર થનાર બૂટલેગર અનીલ ઉર્ફે અન્નુ ભગવાનદાસ રાજપુત (રહે-વુડાના મકાન, કિસનવાડી),સુરેશ ઉર્ફે કાળીયો રમણભાઈ મારવાડી(રહે. કિશનવાડી),નગીન ઉર્ફે ટકલો પ્રભુદાસ પરમાર (રહે. કિશનવાડી) ની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જ્યારે ચોથો આરોપી કિશન ઉર્ફે ક્રિષ્ણા મોરે (રહે-કિશનવાડી) મળી આવ્યો ન હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, અનીલ ઉર્ફે અન્નુની પત્ની સાથે રૂષાંકના પ્રેમસંબંધ હતા. જેની જાણ અનીલને થતા બદલો લેવા અનીલ ઉર્ફે અન્નુ, તેના ત્રણ મિત્રો રૂષાંકને ગુરુવારે વુડાના એક મકાનમાં લઈ જઇ દંડા વડે માથામાં ઈજા કરી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ તેને અનાજ ભરવાના કોથળામાં બાંધી દીધો હતો. કિશનવાડીથી જ પ્રેમકિશન માછીની રિક્ષા રોકીને તેમને કાલોલ તાલુકાની ગેગડીયા ચોકડીથી અડાદરા રોડ તરફ અનાજ આપવાનું જણાવી સવાર થયા હતા. ચારેય આરોપીઓએ અડાદરા રોડ પાસે ઉતરી જઈને રિક્ષા ચાલકને રવાના કર્યા બાદ અડાદરાથી પેટ્રોલ ખરીદ્યું હતું. જે બાદ ચારેય આરોપીઓએ કોથળામાં બાંધેલી યુવકની લાશને અડાદરા ગામ તરફ જવાના રોડ પાસે એક ખેતરમાં આવેલ પાણી જવાના સૂકા કાંસમાં સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી કિશનની શોધખોળ હાથ ધરી છે.
- Ravindra Patel, Vadodara