પોલીસ પર પથ્થરમારો પૂર્વાયોજિત કાવતરૂં…
વડોદરા : રાજ્યમાં સિટિઝનશીપ ઍમેન્ડમેન્ડ ઍક્ટના વિરોધમાં એક પછી એક જગ્યાએ હિંસક તોફાનો થઈ રહ્યા છે. અમદાવાદમાં કાશ્મીર પેટર્નથી થયેલા તોફાનો બાદ ગઈકાલે વડોદરાના હાથીખાના વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી.
જોકે, પોલીસના મુજબ આ ઘટના પૂર્વાયોજિત હોવાનું અનુમાન છે. કારણ કે પોલીસ જ્યારે નજીકના વિસ્તારમાં વીડિયોગ્રાફી કરી રહી હતી તે સમયે અચાનક હુલ્લડ ફાટી નીકળ્યા હતા અને મોટી સંખ્યામાં ઇંટ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે ૩૭થી વધુ તોફાનીઓની અટકાયત કરી છે.
વડોદરામાં થયેલા હિંસક તોફાનોની તપાસ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. તેમણે જણાવ્યું હતું કે ’મસ્જિદમાંથી લોકો બહાર નીકળ્યા હતા. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમ વિસ્તારની વીડિયોગ્રાફી કરી હતી, પરતુ મસ્જિદમાંથી બહાર નીકળતા લોકોની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી ન હતી. તેમ છતાં કેટલાક લોકોએ વીડિયોગ્રાફી કરતા હોવાનું કહીને સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સમયે ૨થી૩ છોકરાઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. અને પછી પથ્થરમારો વધી ગયો હતો. જેથી પોલીસે જવાબમાં ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.