હજી પાંચ દિવસ સુધી મિશ્ર વાતાવરણ રહેશે વાયરલ ઈન્ફેકશનના કેસોમાં પણ વધારો…
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે ત્યારે મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા જિલ્લાવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુના કારણે જિલ્લામાં વાયરલ ઈન્ફેક્શનની બિમારીના કેસો વધવા પામ્યા છે. જિલ્લાની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ખાતે દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ સુધી જિલ્લામાં આવુ મિશ્ર વાતાવરણ જોવા મળશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઓગષ્ટ માસના પ્રારંભે સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સમગ્ર આણંદ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસતા મોસમનો લગભગ ૮૦ ટકા વરસાદ વરસી ચુક્યો છે. જો કે છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે. મેઘરાજાના વિરામ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચે જતા બપોરના સુમારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા જિલ્લાવાસીઓ છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુના કારણે જિલ્લામાં તાવ, શરદી સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.